માંર્કેટમાં તો મિલાવટવાળી અનેક વસ્તુઓ વેચાય છે, પણ શુક્રવારે હળવદના માર્કેટિંગ યાર્ડમાં મિલાવટ વાળું જીરું વેચાવા આવ્યું હતું. જો કે આ ભેળસેળવાળું ૧૪૨ મણ જીરું સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે.
નોંધનીય છે કે, પાટડી ગત વર્ષે હળવદમાંથી નકલી વરિયાળીનું કૌભાંડ પકડાયું હતું. એ પછી આજે હળવદ માર્કેટિંગ યાર્ડનો વેપારી જીરામાં કલર વાળી વરિયાળી મિક્સ કરી પાટડી માર્કેટિંગ યાર્ડમાં વેચવા જતા પકડાવ્યા હતા.
હળવદના વેપારીએ ગઈકાલે હળવદ યાર્ડમાં જ આ જીરૂ વેંચતા પકડાયો હતો. છતા માત્ર નોટિસ આપી જવા દેવાયો હતો. હળવદ માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા ધર્મ એન્ટરપ્રાઈઝના સંચાલક દ્વારા ગઈકાલે બુધવારે હળવદ યાર્ડમાં ઊંચા ભાવે વેચતા જીરૂમાં કલરવાળી વરિયાળી મિક્સ કરી બે ઢગલા હરાજીમાં મૂકી હતી. જે અન્ય વેપારીના ધ્યાને આવતા ભાંડો ફૂટતા આ જીરૂ પાટડી માર્કેટિંગ યાર્ડમાં સવારામ ટ્રેડિંગ કંપનીમાં ઉતારતા જ વેપારીએ જીરૂ શંકાસ્પદ લાગતા યાર્ડ સત્તાવાળાઓને જાણ કરી હતી. આથી આ શંકાસ્પદ જીરૂના નમૂના લેવડાવી ૧૪૨ મણ ભેળસેળીયું જીરૂ કબ્જે કરી કાનૂની કાર્યવાહી કરાઈ હતી.
બીજી તરફ હાલમાં માર્કેટિંગ યાર્ડમાં વરિયાળી પ્રતિમણ રૂપિયા 1200થી 1500ના ભાવે વેચવામાં આવે છે, જેની સામે જીરૂ પ્રતિમણ રૂપિયા 4000થી 5100ના ભાવે વેચાતું હોય ભેજાબાજ વેપારીએ વરિયાળીમાં કલર કરી જીરામાં ખપાવવા પ્રયાસ કરતા પાટડી યાર્ડની ઝપટે ચડ્યો હતો. જો કે, હળવદ યાર્ડના સત્તાધિશો શંકાના દાયરામાં આવી ગયા છે, જો હળવદ યાર્ડના સતાવાળાઓએ ગઈકાલે આ જીરૂ પકડી પાડ્યું હોત તો આજે પાટડી માર્કેટિંગ યાર્ડ સુધી આ જીરૂ ન પહોંચ્યું હોત તેવું ખુદ વેપારીઓ જણાવી રહ્યા છે.
આ અંગે પાટડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રામજીભાઈ જાદવ અને સેક્રેટરી સાગરભાઈ દેસાઈએ જણાવ્યું કે, હળવદના વેપારી ખેડૂતોના નામે પાટડી એપીએમસીમાં અંદાજે સાતેક લાખનું નકલી જીરૂ વેચતા ઝડપાઈ જતા હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.