તાજેતરમાં ગાંધીનગરનાં રાજભવન પાછળનાં કંપાઉન્ડમાં રહેતી સગર્ભાને અસહ્ય પ્રસવ પીડા થતાં 108 ટીમે રસ્તામાં જ એમ્બ્યુલન્સ વાનમાં સફળ રીતે નોર્મલ પ્રસૂતિ કરાવી માતા – બાળકનો જીવ બચાવી લેવાયો હતો. એજ રીતે પોતાની સૂઝબૂઝ – અનુભવના આધારે 108 ટીમે રાયસણમાં પણ અસહ્ય પ્રસવ પીડાથી પીડિત સગર્ભાની ઘરે જ નોર્મલ ડીલીવરી કરાવી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને તાકીદની સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા શરૂ થયેલી 108 એમ્બ્યુલન્સની સેવા હવે સગર્ભા મહિલાઓ માટે ખાસ ઉપીયોગી બની છે. તેમાં અનેક મહિલાઓની પ્રસુતિ પણ 108 એમ્બ્યુલન્સમાં થઈ રહી છે. ગાંધીનગરના રાયસણ ગામમાં રહેતા 20 વર્ષની સગર્ભા નીકીતા દીપુભાઈ મેડાને અસહ્ય પ્રસવ પીડા થતા હોસ્પિટલ સુધી તાત્કાલિક પહોંચવા માટે 108 એમ્બ્યુલન્સ કોલ સેન્ટરમાં ફોન કરીને મદદ માંગવામાં આવી હતી.
જેનાં પગલે ગિફ્ટ સિટી ખાતે કાર્યરત 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઈએમટી કિશનસિંહ રાઠોડ અને પાયલોટ રોહિતભાઈ પ્રજાપતિ તાત્કાલિક રાયસણ ગામમાં પહોંચી સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે તાત્કાલિક પહોંચી ગયા હતા. એ વખતે સગર્ભાને અસહ્ય પ્રસવ પીડાનો દુખાવો થઈ રહ્યો હતો. જેને તપસ્યા પછી હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ જાય એમ હતું. આથી 108 ટીમે ઘરે જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો.
બાદમાં ERCP ડૉ. મયૂરસિંહને કોલ કરી નિષ્ણાત તબીબની સલાહ મુજબ 108 એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડીલીવરીના સાધનો, દવાઓ તથા ટેકનીકનો ઊપયોગ કરીને સગર્ભાની સફળ રીતે નોર્મલ ડીલીવરી કરાવી માતા – બાળકનો જીવ બચાવી લેવાયો હતો.
ત્યારબાદ પ્રસુતાને અને તેના નવજાત શિશુને ગાંધીનગર જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પણ રાજભવન ક્વાર્ટર્સની પાછળના વિસ્તારમાં રહેતી સગર્ભાની આજ રીતે રસ્તામાં એમ્બ્યુલન્સ વાનમાં સફળ ડીલીવરી કરાવી 108 એમ્બ્યુલન્સની ટીમે માતા – બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આમ સાચા અર્થમાં સરકારની 108 એમ્બ્યુલન્સ સેવા જરૂરિયાતમંદ લોકોને મુશ્કેલ સમયમાં સમયસર સેવા આપીને સરાહનીય કામગીરી કરી રહી છે.