ભારતીય જનતા પાર્ટીના નેતાના મનમાં અને મગજમાં રાહુલ ગાંધી ઘર કરી ગયા હોય એમ લાગે છે : હેમાંગ
આરએસએસ અને હિન્દુ મહાસભાના વંશજોને હજુ પણ ચૂંટણી જીતવા માટે ગાંધી નહીં, જિન્નાહની જરૂર છે ? : ડૉ.અમિત નાયક
અમદાવાદ
સુધાંશુ ત્રિવેદીએ ગુજરાત મુલાકાત વખતે કોંગ્રેસ પક્ષ પર કરેલ ઉચ્ચારણ મુદ્દે વળતો જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, “આઝાદીની લડાઈમાં નાકનું ટેરવું કે આંગળીનો નખ પણ નહીં ભાંગનાર જનસંઘના વારસદારો આજે રાષ્ટ્રવાદની વાત કરી રહ્યા છે તાજેતરમાં જેમને ભારત રત્ન મળેલો છે તે ભારતીય જનતા પક્ષના શીર્ષ નેતૃત્વ એવા લાલકૃષ્ણ અડવાણી મહંમદ અલી જિન્નાહની કબર ઉપર પાકિસ્તાન જઈને માથું ટેકવીને આવ્યા હતા એ વાત કદાચ સુધાંશુને ખબર નહીં હોય? આ એ જનસંઘ છે કે જેણે બંગાળમાં મહંમદ અલી જિન્નાહની મુસ્લિમ લીગ સાથે ભેગી મળીને સરકાર બનાવી હતી, લાગે છે ભારતીય જનતા પાર્ટીના મનમાં જિન્નાહ પ્રત્યેનો જે આદર છે તે તેઓ આ પ્રમાણે વ્યક્ત કરી રહ્યા છે. રાહુલ ગાંધીને આત્મચિંતનની સલાહ આપનાર ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને કહેવાનું કે મોદીજીએ બેરોજગારી દૂર કરીને બે કરોડ રોજગારી આપવાની વાત કરી હતી, કિસાનોની એમ.એસ.પી ડબલ કરવાની વાત કરી હતી, પેટ્રોલ ડીઝલના ભાવ રૂ. ૩૫ કરવાની વાત કરી હતી, લોકોના ખાતામાં ૧૫ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, કાળું નાણું પાછું લાવવાની વાત કરી હતી આ બધી બાબતોનું આત્મચિંતન વડાપ્રધાન અને ભાજપે કરવું જોઈએ. રાહુલ ગાંધી શું કરે છે, રાહુલ ગાંધી કયું ટીશર્ટ પહેરે છે, રાહુલ ગાંધી કયા શૂઝ પહેરે છે. આ બધી ચિંતા છોડીને દેશની ચિંતા કરો. ભારતીય જનતા પાર્ટીના નેતાના મનમાં અને મગજમાં રાહુલ ગાંધી ઘર કરી ગયા હોય એમ લાગે છે. સવારમાં ઊઠે ત્યારે બ્રશ કરે ત્યારથી રાત્રે સુવે ત્યાર પછી પણ સપનામાં માત્ર રાહુલ ગાંધી જ આવતા હોય એમ લાગી રહ્યું છે. જો કે દેશની સશક્ત લોકશાહી માટે સરમુખત્યાર સત્તાધીશોને આ પ્રકારનો ડર હોવો જરૂરી છે. કોંગ્રેસ પક્ષ ન્યાય માટે લડત આપી રહ્યો છે અને આપતો રહેશે.”
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર અમિત નાયકે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે જેણે ઝીણાની સમાધિ પર ચાદર પાથરીને બિનસાંપ્રદાયિકતાનું પ્રમાણપત્ર આપ્યું અને જેણે આઝાદી પહેલા બંગાળ અને પૂર્વ પંજાબમાં સત્તા માટે જિન્નાની મુસ્લિમ લીગ સાથે જોડાણ કર્યું એ આરએસએસ અને હિન્દુ મહાસભાના વંશજોને હજુ પણ ચૂંટણી જીતવા માટે ગાંધી નહીં, જિન્નાહની જરૂર છે ?