લોકસભા ચૂંટણીઓ હજુ જાહેર થઈ નથી પરંતુ રાજકીય પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારો જાહેર કરવા લાગ્યાં છે. સૌથી પહેલા અખિલેશ યાદવ 20થી વધુ ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યાં છે આ ક્રમમાં હવે ભાજપે પણ લોકસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી દીધું છે અને લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે. ભાજપની પહેલી યાદીમાં મોટા મોટા દિગ્ગજોના નામ સામેલ છે જેમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓે ટિકિટ આપવામાં આવી છે.
ભાજપની પહેલી યાદીમાં પીએમ મોદી, અમિત શાહ અને રાજનાથ સહિતના દિગ્ગજોના નામ છે. પીએમ મોદી તેમની પરંપરાગત વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે તો ગૃહ મંત્રી અમિત શાહને ગાંધીનગરથી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને યુપીની લખઉન બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે.
ભાજપની પહેલી યાદી જાહેર થયાં બાદ હવે ગમે ત્યારે લોકસભા ચૂંટણીઓનું એલાન થઈ શકે છે. હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિવિધ રાજ્યોની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ વગેરેનો પ્રવાસ પૂરો થયો છે અને બીજા રાજ્યોની મુલાકાત ચાલી રહી છે.
ગુરુવારે રાતે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક રાતના સાડા ત્રણ વાગ્યાં સુધી ચાલી હતી જેમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. ભાજપની મહત્વની બેઠકમાં પીએમ મોદીની ઉપરાંત યુપી સીએમ યોગી આદિત્યનાથ, એમપી સીએમ મોહન યાદવ સહિત બીજા રાજ્યોના સીએમ હાજર રહ્યાં હતા.