સિનિયર સિટીઝનને વિશ્વાસમાં લઈને એટીએમ કાર્ડની અદલા બદલી કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગના ચાર આરોપીઓની ખોખરા પોલીસ એ ધરપકડ કરી છે. આરોપીઓ દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ અનેક ગુનાને અંજામ આપ્યો છે.
ખોખરા પોલીસે સન્ની સાંસી, સોનુ સાંસી, મનીષ સાંસી અને કમલ સીંગ કુશવાહ નામના ચાર આરોપી ઓની ધરપકડ કરી છે. અને અલગ અલગ બેંક ના 52 એ ટી એમ કાર્ડ, પૈસા સ્વાઇપ કરવાના 2 મશીન, 5 મોબાઈલ સહિત રૂપિયા 33 હજાર રોકડા કબ્જે કર્યા છે…આરોપીઓ કોઈપણ એટીએમ સેન્ટરની બહાર વોચ રાખીને બેસતા હતા અને સિનિયર સિટીઝન જ્યારે પૈસા ઉપાડવા માટે આવે ત્યારે તેને મદદ કરવાના બહાને વિશ્વાસમાં લઈને તેનું એટીએમ કાર્ડ બદલી દેતા હતા અને પીન નંબર મેળવી લેતા હતા. બાદમાં આ એટીએમ કાર્ડ નો ઉપયોગ કરી કેટલાક રૂપિયા પોતે ઉપાડી લેતા અને બીજા રૂપિયા સ્પાઇપ મશીન દ્વારા અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી આ ગેંગે શહેરના અનેક વિસ્તારોમાં અલગ અલગ ગુના ને અંજામ આપી પોલીસ ની ઊંઘ હરામ કરી દીધી હતી. છેલ્લા દોઢથી બે મહિનામાં આરોપીઓએ 21 જેટલા ગુનાને અંજામ આપ્યો છે અને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. આરોપીઓએ ખોખરા વિસ્તારમાં એક સિનિયર સિટીઝન પાસેથી કાર્ડ ચેન્જ કરીને તેમના એકાઉન્ટમાંથી રૂપિયા એક લાખ અગિયાર હજાર ઉપાડી લીધા હતા. જે અંગે ખોખરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે લગભગ 90 થી વધારે સીસીટીવી તપાસીને આરોપીઓને ઝડપી લીધા છે.
આરોપીઓ મૂળ હરિયાણાના રહેવાસી છે. જો કે ગુનો આચરવા માટે તેઓ ટ્રેન કે ફ્લાયટ મારફતે જે તે શહેરમાં રહેતા હતા. અને હોટલ કે ભાડે મકાનમાં રહેતા હતા. જો કે જ્યારે કોઈ ગુનાને અંજામ આપવા જાય ત્યારે ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી માટે ગૂગલ મેપનો ઉપયોગ કરતા હતા.