રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મંગળવારે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી દ્વારા બેંગલુરુની જેલમાં કેદીઓને કટ્ટરપંથી બનાવવાના કેસમાં 7 રાજ્યોમાં 17 સ્થળો પર દરોડા પાડ્યાં હતા. જાન્યુઆરીમાં NIAએ આ કેસમાં 8 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં કેરળના કન્નુરના ટી નસીરનો સમાવેશ થાય છે, જેઓ 2013થી બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.આ દરમિયાન જુનેદ અહેમદ ઉર્ફે જેડી અને સલમાન ખાન વિદેશ ભાગી ગયા હોવાની આશંકા છે.
આ કેસ મૂળ રીતે બેંગલુરુ સિટી પોલીસે ગયા વર્ષે 18 જુલાઈના રોજ 7 આરોપીઓ પાસેથી શસ્ત્રો અને દારૂગોળો, હેન્ડ ગ્રેનેડ અને વોકી-ટોકી જપ્ત કર્યાં પછી નોંધ્યો હતો. 7 શખ્સો એક આરોપીના ઘરે હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
એનઆઈએનાં જણાવ્યાં અનુસાર નસીર, જે ઘણા બ્લાસ્ટ કેસોમાં સંડોવાયેલો હતો, તે અન્ય આરોપીઓના સંપર્કમાં આવ્યો હતો જ્યારે તે બધા 2017 દરમિયાન બેંગ્લોર જેલમાં બંધ હતા. નસીરે તેમને કટ્ટરપંથી બનાવવા અને લશ્કર-એ-તૈયબામાં તેમની ભરતી કરવાના ઉદ્દેશ સાથે તેમની બેરેકમાં સામેલ કર્યાં હતા.
લશ્કરની પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે તે પહેલા કટ્ટરપંથી અને અહેમદ અને ખાનની ભરતી કરવામાં સફળ રહ્યો. આ પછી તેણે અહેમદ સાથે કટ્ટરપંથી બનાવવા અને અન્ય આરોપીઓની ભરતી કરવાનું કાવતરું ઘડ્યું.
દરોડામાં 25 મોબાઈલ ફોન, છ લેપટોપ અને અન્ય ચાર ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં છે, સાથે અનેક દેશોની કરન્સી તેમજ રોકડ પણ મળી આવી છે.
પ્રવક્તાના જણાવ્યાં અનુસાર કર્ણાટકના નવીદ, સૈયદ ખૈલ અને પશ્ચિમ બંગાળના મયુર, પંજાબના નવજોત સિંહ, ગુજરાતના હાર્દિક કુમાર, કરણ કુમાર, કેરળના જોન્સન, તમિલનાડુના મુસ્તાક અહેમદ, મુબીથ અને હસન અલ બાસમના સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યાં હતા. આ સિવાય તેલંગાણામાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું.