અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં DJ ટ્રક, લાઉડ સ્પિકર અને વાંજિત્રોના માધ્યમ દ્વારા નિયત સાઉન્ડ લિમિટનો ભંગ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વપરાશકર્તાઓ, ઉત્પાદનકારો અને વેચાણકર્તાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધા માયીની ખંડપીઠે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રને બહુ મહત્ત્વનો નિર્દેશ કર્યો છે.
ખંડપીઠે આ સમગ્ર મામલે બે સપ્તાહમાં રાજ્યભરમાં જરૂરી કાર્યવાહી કરી તે અંગેનો પ્રગતિ અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવા રાજય સરકારના ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને નિર્દેશ કર્યો હતો.
હાઈકોર્ટે અગાઉના નિર્દેશો છતાં રાજ્યભરમાં સાઉન્ડ લિમિટ વગરના લાઉડ સ્પીકર, DJ અને વાંજિત્રોના વેચાણ ઉપયોગ પર પ્રતિબંધના નિયમની અમલવારીમાં પોલીસ અને સરકારના સત્તાવાળાઓ નિષ્ફળ રહ્યા હોવાની ગંભીર ટકોર પણ હાઇકોર્ટે કરી હતી.