ગાંધીનગર જિલ્લા અદાલતનાં ગેટ – 1 પાસેથી ચીફ કોર્ટના સુપ્રિટેન્ડન્ટનાં 25 હજારની કિંમતના એક્ટિવાની ઉઠાંતરી કરી વાહન ચોર ફરાર થઈ જતાં સેકટર – 7 પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે વાહન ચોરને ઝડપી પાડી વધુ તપાસ કરતા તેણે માત્ર 2500 રૂપિયામાં ભંગારના ભાવે એક્ટિવા વેચી હોવાની કબૂલાત કરી હતી. જે અન્વયે ક્રાઇમ બ્રાંચે ભંગારીયાની પણ ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
ગાંધીનગરના સેકટર – 2/બી પ્લોટ નંબર – 199/2 માં રહેતા સુમંત રામાવતાર મિશ્રા ગાંધીનગર જીલ્લા અદાલત ખાતે નવમાં એડી.સીનીયર સિવિલ કોર્ટ તથા એડી. ચીફ જ્યુડી મેજી.કોર્ટમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. ગત તા. 27 મી ફેબ્રુઆરીએ સવારના રાબેતા મુજબ તેઓ એક્ટિવા લઈને કોર્ટે પહોંચ્યા હતા. જ્યાં ગેટ નંબર – 1 બહાર એક્ટિવા પાર્ક કરી ફરજ ઉપર ગયા હતા. બાદમાં બપોરના સમયે તેઓ એક્ટિવા લેવા ગયા હતા. ત્યારે માલુમ પડયું હતું કે, 25 હજારની કિંમતનું એક્ટિવા ચોરાઈ ગયું છે. આ મામલે તેમણે સેકટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેનાં પગલે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી બી વાળાની ટીમે ઘનિષ્ઠ તપાસ શરૂ કરી સિવિલ હોસ્પિટલ વિસ્તારથી સુમીત સુરેશભાઈ મિશ્રા (રહે. સાબરમતી) ની ધરપકડ કરી લેવાઈ હતી. જેની પૂછતાંછ કરતાં ઉક્ત સ્થળેથી એક્ટિવા ચોરી કર્યા પછી મોટેરા ખાતે માત્ર 2500 રૂપિયામાં એક્ટિવા વેચી માર્યાની કબૂલાત કરી હતી.
જે અન્વયે પોલીસ મોટેરા રહેતા સુરેશ સૂરજમલ ગુર્જરનાં ભંગારનાં વખારમાં પહોંચી ગઈ હતી અને તપાસ કરતા એક્ટિવા ખડખડધજ હાલતમાં મળી આવ્યું હતું. આથી પોલીસે સુરેશની પણ ધરપકડ કરી ગણતરીના દિવસોમાં એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા હાંસલ કરી છે.