ગાંધીનગરના પીરોજપુર ગામની સીમમાં ગત મધરાતે ઘાતક હથિયારો સાથે બુકાનીધારી 10 જેટલાં લૂંટારૃઓએ દંપતીને બંધક બનાવી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 15 લાખ 52 હજારની મત્તા લુંટીને ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ છે. આ મામલે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં અલગ અલગ ટીમો એક્ટિવ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
ગાંધીનગરના પીરોજપુર ગામની સીમમાં પત્ની પશીબેન સાથે રહેતાં રામાજી અમાજી જાદવ રણાસણ સર્કલ પાસે ધ એટલાન્ટા બિઝનેશ હબ ખાતે મેલડી ટ્રાવેલ્સ નામથી ટ્રાવેલ્સ એજન્સી ચલાવે છે. ગઈકાલે રાત્રિના આશરે નવેક વાગ્યાના સુમારે જમી પરવારી પતિ-પત્ની ઘરમાં સૂઇ ગયા હતા. ત્યારે દોઢેક વાગે ઘરનો મુખ્ય દરવાજો તૂટવાનો જોરથી અવાજ આવતા દંપતી એકદમ જાગી ગયા હતા.
હજી દંપતી કઈ સમજે વિચારે એટલામાં 10 જેટલા આશરે 25 થી 35 વર્ષ ઉંમરના બુકાનીધારી લૂંટારૃઓ લાકડી, લોખંડની પાઇપો અને છરા જેવા હથિયારો સાથે ઘરમાં ધસી ગયા હતા અને રામાજીનું રૂમાલથી મોઢુ બાધી દઈ લાકડી તથા પાઇપથી ફરી વળ્યા હતા. બાદમાં લૂંટારૃઓએ રામાજીનાં ગળામાંથી દોઢ તોલાનો 90 હજારની કિંમતનો સોનાનો દોરો તોડી લીધો હતી અને પશીબેનનાં ગળામાંથી પણ રૂ. 1.20 લાખનો સોનાનો દોરો તેમજ હાથમાંથી 90 હજારની સોનાની વીંટી ખેંચી લીધી હતી.
બાદમાં લૂંટારૃઓ દંપતીને રસોડામાં લઈ ગયા હતા. જ્યાં એક લૂંટારુએ છરો બતાવી કહેલું કે, જો બુમાબુમ કરશે તો છરો ઘાલી દઇશ અને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. થોડીવાર પછી દંપતીએ બુમાબુમ કરતા પડોશમાંથી શ્રવણજી મંગાજી જાદવ આવી ગયેલા અને દરવાજો ખોલી દંપતીને બહાર કાઢ્યા હતા. બાદમાં રામાજીનાં નાના ભાઈ વિરમજી અમાજી જાદવ તથા ભત્રીજો જશવંત અશોકજી જાદવ પણ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત રામાજીને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.
બીજી તરફ પશીબેને ઘરમાં જોયું તો ઘરનો સરસમાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો. બાજુના રૂમમાં મુકેલ લોખંડની તિજોરી પણ તુટેલ હાલતમાં હતી. તિજોરીના ઉપરના ખાનામાં મુકેલ છુટા રોકડ રૂ. 60 હજાર, જર્મન બનાવટની એક પેટીમાં રાખેલ 1 લાખ રોકડા, રૂ. 1.80 લાખની સોનાની મગમાળા બે તોલાનુ લોકીટ રૂ. 1.20 લાખ, સોનાની કાનની હેરો રૂ. 2.40 લાખ, ચાંદીના પગના રમઝા આશરે 500 ગ્રામ વજનના, બે લાખની સોનીની લકી, સોનાની ચેઇન રૂ. 1.80 લાખ, અન્ય એક 60 હજારની ચેઇન, ભત્રીજાની ચાંદીની લકી નંગ-40 તેમજ મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 15 લાખ 52 હજારની મત્તા લૂટારુઓ લૂંટી ગયાનું માલુમ પડયું હતું. આ અંગે જાણ થતાં ડભોડા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચ સ્થળ પર પહોંચીને વધુ તપાસનો દોર શરૂ કર્યો છે.