બોલો.. બેનામી સંપત્તિ છુપાવવા ભાડે ઓરડી રાખી, પણ સીસીટીવી ફૂટેજમાં ભાંડાફોડ થયો અને 500 કરોડનાં દસ્તાવેજ મળ્યાં…

Spread the love

રાજકોટમાં હાલમાં જ ઈનકમટેક્સે લાડાણી બિલ્ડર ગ્રૂપ પર કરેલા સર્ચ ઓપરેશનમાં એવું સામે આવ્યું એ છે કે, આ જૂથે માત્ર રૂ. ૩૦૦૦ની ઓરડી ભાડે રાખીને રૂપિયા ૫૦૦ કરોડના દસ્તાવેજો છુપાવ્યા હતા. જો કે સર્ચમાં સીસીટીવી ફૂટેજમાં ભાંડાફોડ થયો હતો.

સૌરાષ્ટ્રના મોટા ગજાના ઉદ્યોગકાર ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં આવકવેરાના દરોડાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આ વખતે કરચોરીની નવી મોડેસઓપરેન્ડી સામે આવી છે. જેમાં બિલ્ડરે પોતાના દસ્તાવેજ અને સાહિત્ય એક ભાડાની ઓરડીમાં છૂપાવ્યા હોવાનું સામે આવ્યું છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.આ તપાસ દરમિયાન 8 દિવસના અંતે 500 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા છે. જેને લઈ આવકવેરા વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગ મળી કુલ 150 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા 27 ફેબ્રુઆરીની સવારથી ઓરબીટ ગ્રુપના અલગ અલગ પ્રોજેક્ટ તેમજ લાડાણી એસોસિએટના અલગ અલગ પ્રોજેક્ટમાં રોકાણ કરનાર ફાયનાન્સરો તેમજ ભાગીદારોને ત્યાં આવકવેરાની ટીમ વહેલી સવારે ત્રાટકી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

રાજકોટના પ્રતિષ્ઠિત જ્વેલર્સને ત્યાં દિવાળી પહેલા દરોડા સાથે કરોડો રૂપિયાની કરચોરી ઝડપી લેવામાં આવી હતી. ત્યારબાદ આ બીજા મોટા સર્ચ ઓપરેશનની કામગીરી બાદ 500 કરોડના વ્યવહારો, હિસાબો અને સાહિત્ય મળી આવ્યા હતા.તપાસ દરમિયાન આવકવેરા વિભાગને શંકાસ્પદ સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા હતા. જેમાં લાડાણી ગ્રુપના માણસો બેગ તેમજ પોટલાં ભરી અલગ જગ્યાએ લઈ જતા હોવાનું જોવા મળતા તપાસ શરૂ કરી હતી. દરમિયાન બિલ્ડરે રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ પેરેમાઉન્ટ સોસાયટી શેરી નંબર 2માં આવેલ એક મકાનમાં ઓરડી ભાડે રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જ્યાં લેપટોપ સહિતના સાહિત્ય છૂપાવવામાં આવ્યા હતા. ગત શુક્રવારે સાંજે આવકવેરા વિભાગની ટીમ સાંજે 7 વાગ્યે સ્થળ પર પહોચી હતી અને 15 જેટલા અધિકારીઓએ સવાર સુધી આ ઓરડીમાં સર્ચ કર્યું હતું અને આસપાસ સીસીટીવી ફૂટેજ પણ તપાસી પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આવકવેરાની ટીમ 27 તારીખે વહેલી સવારથી ઓરબીટ ગ્રુપના અલગ અલગ પ્રોજેક્ટ જેમ કે, ઓર્બીટ ટાવર, ઓર્બીટ રોયલ ગાર્ડન સહિત પ્રોજેક્ટ અને આ પ્રોજેક્ટમાં રહેલા તેમના ભાગીદાર અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેના ટ્વીન ટાવર પ્રોજેકટમાં ભાગીદાર રહેલા મયુર રાદડિયા, દાનુભા જાડેજા(દોમડા), ફાયનાન્સર મહિપતસિંહ ચુડાસમા સહિત સંકળાયેલા અનેક લોકો ઇન્કમટેક્સની રડારમાં આવી ગયા છે અને 15થી વધુ જગ્યાએ વિવિધ પ્રોજેક્ટની ઓફિસ, બિલ્ડરોના નિવાસ સહિતની જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *