આવા એક બે નહીં પરંતુ 35 કેસ સામે આવતા CBI પણ હરકતમાં આવી ગઈ છે. ભારતીયોને ખોટા ખોટા વાયદાઓ કરીને રશિયા મોકલતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઈએ દેશભરમાં 13 ઠેકાણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમા દિલ્લી, તિરુવનંતપુરમ, મુંબઈ, અંબાલા, ચંડીગઢ, મદુરૈ અને ચેન્નઈનો સમાવેશ થાય છે. અહીંથી લોકોને મોટા મોટા પગાર, લક્સુરિયસ લાઈફસ્ટાઈલની લાલચ આપીને ફસાવાય છે.
ખાસ કરીને સોશિયલ મીડિયા, એજન્ટોના માધ્યમે લોકોને ટાર્ગેટ કરાય છે. જેમાં એકવાર યુવાનોને રશિયા મોકલી દેવાય અને બાદમાં તેમની ભરતી રશિયન સેનામાં કરી દેવાય. અત્યાર સુધીમાં 35 લોકોને આવી રીતે રશિયા મોકલાયા છે. તાજેતરમાં જ સાત ભારતીય યુવાનોનો વીડિયો સામે આવ્યો હતો.. જેમા તેમણે પોતાની આપવીતિ વર્ણવી હતી.
રશિયા અને યુક્રેનની જંગમાં અત્યાર સુધીમાં 2 ભારતીયોના મોત થયા છે.. જેમા એક યુવક સુરતનો છે. જ્યારે એક યુવક છે હૈદરાબાદનો. બંનેના પરિવારનો દાવો છે કે, તેમને ખોટી રીતે નોકરીની લાલચ આપીને એજન્ટોએ રશિયા મોકલી દીધા હતા.. સુરતના હેમિલ માંગુકિયા અને હૈદરાબાદના મોહંમદ અફસાન બંનેને ષડયંત્રના ભાગરૂપે ફસાવાયા હતા. જોકે તાજેતરમાં ભારતીય દૂતાવાસે પણ 20 ભારતીયો રશિયાથી પરત આવવા મદદ માગતા હોવાની પુષ્ટી કરી હતી.
સોશિયલ મીડિયા કે એજન્ટોના માધ્યમે વિદેશ જતા લોકો માટે આ લાલબત્તી સમાન કિસ્સાઓ છે. કોઈ જાહેરાત કે લાલચ તમને મોતના મુખમાં ધકેલી શકે છે. હાલ તો સીબીઆઈ આ સમગ્ર કેસમાં તપાસ ચલાવી રહી છે અને તસ્કરીના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ યુવાનોએ હમેશાં યાદ રાખવું જરૂરી છે કે, કોઈ પણ રકમ પોતાના જીવનથી મૂલ્યવાન ન હોઈ શકે.