શિવરાત્રિની ઉજવણી માટે આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં ૨.૫ લાખ કરતાં વધારે લોકો ઉમટ્યાં
અમદાવાદ
વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પાવન ઉપસ્થિતિમાં મહાશિવરાત્રિની ઉજવણીના પવિત્ર પ્રસંગે આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે ભવ્ય ગુરુપાદુકાવનમમાં ૨.૫ લાખ કરતાં વધુ ભક્તો એકત્રિત થયા હતા.ઉજવણી દરમ્યાન પવિત્ર મંત્રોચ્ચાર,સંગીત અને જ્ઞાનથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.દસ લાખ કરતાં વધુ લોકોએ વર્ચ્યુઅલી જોડાઈને ઉજવણીમાં ભાગ લીધો હતો.વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રીશ્રી રવિશંકરજીની પાવન ઉપસ્થિતિમાં ભક્તોએ ધ્યાનમય મૌનમાં ડૂબકી લગાવી હતી.
સાંજે મંત્રોચ્ચાર અને કર્ણપ્રિય ભજનોની વચ્ચે પવિત્ર રુદ્રાભિષેકમની વિધિ માટે ગુરુદેવે પ્રમુખ સ્થાન ગ્રહણ કર્યું હતું. ભક્તોને સુખ,સમૃધ્ધિ અને ઈચ્છાપૂર્તિના વરદાન આપતી આ એક વૈદિક વિધિ છે,જેમાં શંકર ભગવાનના રુદ્ર સ્વરુપની આરાધના કરવામાં આવે છે.ગુરુદેવે કહ્યું,”શિવરાત્રિ એટલે શિવમાં આશરો લેવો.શિવ શાંતિ,અનંતતા,સૌંદર્ય અને અદ્વૈત સ્વરુપ છે.તમારી મૂળ પ્રકૃતિ શિવ છે કારણ કે શિવ સમસ્ત બ્રહ્માંડનું ધ્યાનમય પાસું છે.માટે તમે શિવમાં આશરો લો છો.”આ પ્રસંગે ગુરુદેવે સંત આદિ શંકરાચાર્યના જીવન અને મહિમા પર બનેલી આર્ટ ઓફ લિવિંગની પહેલી વેબ સીરીઝના પોસ્ટરને પણ આશીર્વાદ આપ્યા.શ્રી શ્રી પબ્લીકેશનના ટ્રસ્ટી નકુલ ધવને જણાવ્યું, “ભારતના ઈતિહાસમાં આદિ શંકરાચાર્ય એક મહત્ત્વશીલ વ્યકિત છે,જેમનું નામ તો પ્રચલિત છે પણ તેમની જીવનકથની વિશે દરેક વ્યકિત જાણતી નથી.તેમનું જીવન ઘણું ટૂંકું પરંતુ ઘટનાઓથી ભરપૂર હતું.તેઓએ તે સમયે આખા દેશમાં પગપાળો પ્રવાસ કર્યો હતો અને દેશમાં સાંસ્કૃતિક એકતા સ્થાપી હતી.આજ સુધી તેમણે સ્થાપેલી પ્રણાલીઓ અને સંસ્થાઓ જીવંત છે અને ધમધમે છે.તેઓ ભારતના સાંસ્કૃતિક પુનર્જીવનના ઘડવૈયા છે.”મધરાતે દુનિયાભરમાંથી લાખો લોકો ગુરુદેવ દ્વારા માર્ગદર્શિત શિવરાત્રિ નિમિત્તે વિશિષ્ટ ધ્યાનમાં જોડાયા હતા અને શિવતત્વના પરમાનંદમાં ડૂબકી લગાવી હતી.