ગાંધીનગરના કુડાસણમાં સ્વાગત રેઈન ફોરેસ્ટ – 2 કોમ્પલેક્ષમાં ઈન્ફોસિટી પોલીસે રેડ કરતાં ગ્રાહકોની નમૂના મુજબની નોંધણી તેમજ જીએસટી નંબર વિના જ વેપાર કરવામાં આવતો હોવાનું બહાર આવતા મેનેજર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. એ વખતે બાતમી મળી હતી કે, કુડાસણ સ્વાગત રેઇન ફોરેસ્ટ – 2 કોમ્પલેક્ષમાં આવેલ બ્લેક સ્પોટ સ્પામાં આવતાં જતાં ગ્રાહકોની વિગતો તેમજ જીએસટી નંબર જેવી કોઈ નોંધણી કરવામાં આવી નથી. જે હકીકતના આધારે પોલીસે ઉક્ત સ્પામાં રેડ કરવામાં આવી હતી.
જ્યાં સ્પાના કાઉન્ટર પાસે એક ઇસમ બેઠેલ મળી આવ્યો હતો. જેની પૂછતાંછ કરતાં તેણે પોતાનું ભાવેશ બાબુભાઈ રાઠોડ (રહે. ચોક્સીની ચાલી, રખિયાલ રોડ, અમદાવાદ) તેમજ અહીં મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે સ્પાનાં રજીસ્ટર ચેક કરતાં પોલીસ સ્ટેશનમાં નમૂના મુજબની ગ્રાહકોની નોંધણી તેમજ જીએસટી નંબર પણ નહીં હોવાનું સામે આવ્યું હતું.
જેનાં પગલે પોલીસે ભાવેશ રાઠોડ વિરુદ્ધ કલેકટરના કહેવામાં ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં બિલાડીનાં ટોપની માફક ધમધમતા સ્પાના સંચાલકોને ગ્રાહકોની નોંધણીનું રજીસ્ટર નિભાવવાની પોલીસે સૂચનાઓ આપી હોવા છતાં ઘણાખરા સ્પામાં તેનું પાલન કરવામાં આવતું નથી. એજ રીતે હોટલ – ગેસ્ટ હાઉસોમાં પણ આવતાં જતાં ગ્રાહકોની એન્ટ્રી, વાહન મોબાઇલ નંબર સહિતની વિગતોની નોંધ નહીં કરી કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતું રહે છે. જેનાં પગલે પોલીસ દ્વારા તમામ સ્પા, હોટલ ગેસ્ટ હાઉસોમાં સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.