ગાંધીનગરના રાંધેજા રોડ ઘૂંઘટ હોટલ નજીક આવેલા ખેતરમાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. જેનાં કારણે ખેતરમાં રાખેલ વોટરપાર્કની રાઈડ્સનો સામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક દોડી જઈ 34 હજાર લીટર પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવી રાહતનો દમ લીધો હતો.
ગાંધીનગરના રાંધેજા રોડ ઘૂંઘટ હોટલ નજીક દિનેશભાઈ પટેલનું ખેતર આવેલ છે. જેમાં વોટરપાર્કની રાઈડ્સનો સર સામાન રાખવામાં આવેલો હતો. આજે અચાનક જ ખેતરમાં પડેલા સર સામાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. અને જોતા જોતામાં વોટરપાર્કની રાઈડ્સનો સામના ભડભડ સળગવા માંડ્યો હતો. જેની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી રહી હતી. અચાનક આગ લાગતા ખેતરમાં હાજર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રારંભિક તબક્કે આગને ઓલવવાનાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ વોટરપાર્કની રાઈડ્સ સહિતનો સર સામાન જોતજોતામાં વિકરાળ આગ પકડી લીધી હતી જેનાં પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડને બોલવવામાં આવી હતી.
આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગઈ હતી. અને ત્રણેક કલાક સુધી સતત પાણીનો મારો ચાલુ રાખી મહામુસીબતે આગને કાબુમાં લઈ લેવાઈ હતી. આ અંગે ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું કે, ખેતરમાં વોટરપાર્કની રાઈડ્સ સહિતનો સર સામાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. પીવીસીની રાઈડ્સનો સામાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આથી સતત ત્રણેક કલાક સુધી 34 હજાર લીટર પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.