*કલોલ વિસ્તારમાં રૂ. 100 કરોડથી વધુ રકમના 65 થી વધુ વિકાસ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતાં મંત્રીશ્રી*
….
*રૂ. 62 કરોડના ખર્ચે તૈયાર થનારા કલોલ-નારદીપુર-માણસા રોડને ચાર માર્ગી કરવાના કામનું ખાતમુહૂર્ત કરાયું*
….
*અમૃત યોજના 2.0 અંતર્ગત ભૂગર્ભ ગટરના રૂ. 37.95 કરોડના વિવિધ કામોનો શુભારંભ કરાયો*
…..
*કલોલ શહેરમાં વિવિધ 64 સ્થળે સીસી રોડ, પેપર બ્લોક, સ્ટોર્મ વોટર લાઈન તથા પાણીની પાઇપલાઇનના મળી રૂ. 4.53 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું*
….
*રૂપિયા 21 લાખના ખર્ચે નવનિર્મિત આરસોડિયા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરતાં ગૃહરાજ્ય મંત્રીશ્રી: એસટીની 25 બસ અને શહેરી સર્વિસની પાંચ બસોનું લોકાર્પણ*
…..
*કલોલ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન દ્વારા નગરજનોને પ્રેરિત કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી*
…..
કલોલ શહેરમાં રૂ. 100 કરોડથી વધુ રકમના 65 થી વધુ વિકાસ કામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત કરતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ નાગરિકોના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આ વિસ્તારના વિકાસ કામોને હંમેશાં પ્રાધાન્ય આપ્યું છે અને જે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવે તેનું ચોક્કસ લોકાર્પણ થાય એ સરકારની કાર્ય સંસ્કૃતિ છે.
કલોલ વિસ્તારના તેરસા ચાર રસ્તા નજીક યોજાયેલા કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રૂ. 62.20 કરોડના ખર્ચે તૈયાર થનારા 24 km લાંબા કલોલ-નારદીપુર-માણસા રોડને ચાર માર્ગીય કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરી, આ કામનો પ્રારંભ કરાવ્યો હતો. કલોલ માણસા અને વિજાપુર તાલુકાને જોડતો આ મુખ્ય માર્ગ ચાર માર્ગીય થતા અહીં ટ્રાફિકનું ભારણ ઘટશે અને ઇંધણની બચત થશે. ગૃહ રાજ્ય મંત્રીશ્રી એ આ અવસરે એસ.ટી. વિભાગની નવી 25 બસ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શહેરી સર્વિસની ગાંધીનગર કલોલ પાનસર રૂટની પાંચ નવી બસને લીલી ઝંડે દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ કલોલનાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસ્તાર ખાતેથી અમૃત યોજના 2.0 અંતર્ગત કલોલ નગરના વોર્ડ નંબર ચાર, પાંચ અને અગિયારમાં ભૂગર્ભ ગટરના રૂ. 37.95 કરોડના વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ મંત્રીશ્રીએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને કલોલ નગરવાસીઓને સ્વચ્છતા માટે પ્રેરિત કર્યા હતા.
આ અવસરે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્શભાઈ સંઘવીએ કલોલ નગરના વિવિધ 64 સ્થળે નિર્માણ થનારા સીસી રોડ, પેવર બ્લોક, સ્ટોર્મ વોટર લાઈન તથા પાણીની પાઇપલાઇન ના રૂ. 4.53 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત પણ કર્યા હતા. મંત્રીશ્રીએ રૂ. 21 લાખના ખર્ચે નવનિર્મિત આરસોડિયા ગ્રામ પંચાયતના ભવનને લોકાર્પિત પણ કર્યું હતું.
આ અવસરે કલોલના ધારાસભ્યશ્રી લક્ષ્મણજી પુંજાજી ઠાકોર, નગરપાલિકાના પ્રમુખ શ્રી શૈલેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી બબીતાબેન ઠાકોર, જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદી, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે. એન. વાઘેલા સહિત ઉચ્ચ અધિકારીઓ, મહાનુભાવો, અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.