સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની એવોર્ડ યોજના અંતર્ગત જુદી જુદી ૬-કેટેગરીમાં સામાજિક ક્ષેત્રે વિશિષ્ઠ પ્રદાન આપનાર વ્યકિતઓ અને સંસ્થાને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વિવિધ એવોર્ડ અર્પણવિધી સમારોહને સંબોધતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની ત્વરીત અને ઝડપી કામગીરીના કારણે ટુંકા સમયમાં આ એવોર્ડની પસંદગી શક્ય બની છે. સમાજકલ્યાણ ક્ષેત્રે વિશિષ્ઠ પ્રદાન આપનાર નાગરીકોને ડો.બાબાસાહેબ આંબેડકર એવોર્ડ, સંસ્થાને મહાત્મા ગાંધી એવોર્ડ અને અનુ.જાતિઓના સાહિત્યકારોને સાહિત્યક્ષેત્રે એવોર્ડ આપવાની યોજના અમલમાં છે. આ સમારોહમાં ૬ વ્યકિત/સંસ્થાને આ યોજના હેઠળ એવોર્ડ આપવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશના એકપણ નાગરીક સાથે અન્યાય ન થાય અને છેવાડાના નાગરીકને પણ તમામ લાભ પહોંચાડવા તે અમારી પ્રાથમિકતા છે. આજનો આ કાર્યક્રમ તેનું ઉત્તમ ઉદાહરણ છે. સંપુર્ણ તમામ યોજનાઓને લાભ નાગરીકો સુધી સંપૂર્ણ પારદર્શીતાથી મળે તે હેતુથી લાભાર્થીઓની પસંદગી માટેના ડ્રોનું યુ-ટયુબ પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સૌને ન્યાય મળે તેવા ઉમદા હેતુ સાથે એવોર્ડ ઉપરાંત મોટા પ્રમાણમાં અનુસૂચિત જાતિના નિગમો થકી ૨ હજાર ૫૩૪ લાભાર્થીઓની પસંદગી કરી લાભ આપવા ઓનલાઈન લાઈવ ડ્રો નું યુ-ટ્યુબ દ્વારા પ્રસારણ કરાવીને કુલ ૬૩ કરોડ ૮૮ લાખના લાભ આપવામાં આવ્યા છે. તેમજ વિશેષમાં ડો.આંબેડકર વિદેશ અભ્યાસ યોજના હેઠળની લોનની ચુકવણી ઓનલાઈન પે મેન્ટ પધ્ધતિથી કરવા સારું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી શંભુપ્રસાદ ટુંડિયાએ જણાવ્યું હતું કે, દેશના છેવાડાના નાગરિકને અનેક પ્રજાકીય યોજનાઓનો લાભ આપવા અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. વિકસીત ભારત સંકલ્પ યાત્રાના સંકલ્પ રથ થકી દેશના છેવાડાના નાગરિકના ઘર આંગણે જ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે. અમારી સરકારે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આજે વંચિતો, પીડિતો, શોષિતો, વિધવાઓ, નિરાધારો, વુધ્ધો અને વિકલાંગોના પ્રશ્નો ન માત્ર સમજ્યા પરંતુ તેનું નિરાકરણ પણ લાવ્યું છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, આજના આ કાર્યક્રમમાં સમાજમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપનાર વિશિષ્ટ સિદ્ધીઓનું સન્માન, ત્રણ નિગમોના લાભાર્થીઓનો ડ્રો તથા વિદેશ અભ્યાસ લોન રી-પેમેન્ટ પોર્ટલનું લોન્ચિંગ એમ કુલ ત્રણ કાર્યક્રમનો ત્રિવેણી સંગમ થયો છે. વિકસીત ભારત બનાવવા માટે દેશમાં ન માત્ર સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી પરંતુ દેશના જરૂરિયાતમંદ વ્યક્તિઓનો પણ વિકાસ કરવો તે અમારો લક્ષ્ય છે.
અનુસૂચિત જાતિ સમાજમાં શૈક્ષણિક, આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રે અન્ય સમાજની હરોળમાં લાવવા યોગદાન આપનાર વ્યક્તિઓએ આપેલ વિશિષ્ઠ પ્રદાન બદલ જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર એવોર્ડ, મહાત્મા ગાંધી એવોર્ડ, સંતશ્રી કબીર સાહિત્ય એવોર્ડ, સાવિત્રીબાઇ ફુલે મહિલા કલા/સાહિત્ય એવોર્ડ, મહાત્મા ફુલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ અને દાસી જીવણ શ્રેષ્ઠ સાહિત્યકૃતિ એવોર્ડ એમ કુલ ૬-કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરના ૧,૫૬૭ લાભાર્થીઓને રૂ.૪૦.૧૭ કરોડ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગરના ૮૪૭ લાભાર્થીઓને રૂ.૧૮.૭૧ કરોડ અને ર્ડા.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ૧૨૦ લાભાર્થીઓને રૂ.૫.૦૦ કરોડ એમ ત્રણેય નિગમો હેઠળની જુદી જુદી યોજનાઓ અંતર્ગત કુલ ૨,૫૩૪ લાભાર્થીઓને ડ્રો દ્રારા લાઇવ પસંદગી કરી રૂ.૬૩.૮૮ કરોડના લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત કાર્યક્રમમાં વિદેશ અભ્યાસ લોન રી-પેમેન્ટ પોર્ટલનું પણ અનાવરણ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, ધારાસભ્ય શ્રી કરસનભાઈ સોલંકી, શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી પરસોત્તમભાઇ પરમાર, શ્રી બલરાજસિંહ ચૌહાણ, શ્રી રીટાબેન પટેલ, શ્રી ઈશ્વરભાઈ પરમાર તથા વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.