ગાંધીનગરના ભાટ મધર ડેરી ખાતે મામાની ટ્રકના ડ્રાઈવરે ટ્રક ગફલતભરી રીતે હંકારી રિવર્સ લેતા ભાણિયાને ટક્કર વાગી હતી. આ અકસ્માત સર્જાતાં ટ્રકનાં પાછળના ટાયર નીચે ચગદાઈ જવાથી ભાણિયાનું અકાળે મોત થયું હતું. જેથી અડાલજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના શાહઆલમ રહેતો મોહમ્મદ જુબેર મોહમ્મદ રફીક શેખનો 22 વર્ષીય ભાઈ તૌકીર છેલ્લા એક વર્ષથી તેના મામા મોહમ્મદ આરીફની ટ્રકની કંડક્ટરીનું કામ કરતો હતો. ગઈકાલે સાંજના સમયે મોહમ્મદ જુબેર ઘરે હાજર હતો. એ વખતે તેના મિત્રએ ફોન કરીને જાણ કરેલી કે, તૌકીરને મધર ડેરીમાં અકસ્માત થયેલ છે અને ત્યાં એપોલો લઈ ગયેલ છે.
આ સાંભળી જુબેર સહિતના પરિવારજનો એપોલો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં તૌકીર મરણ ગયેલ હાલતમાં પડ્યો હતો. આ અંગે તેના મામા આરીફે રડતાં રડતાં જણાવ્યું હતું કે, તૌકીર અને ડ્રાઈવર ભાટ ગામ મધર ડેરીમાં ટ્રક લઈ દુધ લેવા માટે આવ્યા હતા. તે વખતે ટ્રકના ડ્રાઈવરે ટ્રકની રિવર્સ લેવા જતા ખાલી સાઇડના પાછલા વ્હીલમાં તૌકીર આવી ગયો હતો. જેને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવની જાણ થતાં અડાલજ પોલીસ પણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. અને મૃતકની લાશનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી ટ્રકના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. બાદમાં લાશ પરિવારને સોપવામાં આવતાં તેની દફનવિધિ કરવામાં આવી હતી.