માણસા તાલુકાના બોરૂ ગામના એક કુટુંબનાં ત્રણ ભાઈઓનાં બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 1.60 લાખની ઘરફોડ ચોરી કરી હોવાનું સામે આવ્યું આવ્યું છે. જ્યારે બે ભાઈઓ બહારગામ હોવાથી અન્ય બે મકાનમાંથી કેટલા રૂપિયાની મત્તા ચોરાઈ એની વિગતો બહાર આવી નથી. હાલમાં તો પોલીસે એક ભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણાના રાધનપુર સૌદર્ય ગ્રીન સોસાયટીમાં રહેતા 62 વર્ષીય દશરથભાઈ કાનદાસ પ્રજાપતિ મૂળ માણસાના બોરૂ ગામના વતની છે. આજરોજ વતન બોરૂ ગામેથી તેમના નાના ભાઈ દિનેશભાઈ પ્રજાપતિએ ફોન કરી જણાવેલ કે તમારા ઘરના મુખ્ય દરવાજાનુ નકુચો તુટેલ છે. ઘરમાં ચોરી થયેલ જણાય આવે છે. ગઇકાલ રાત્રીના આઠેક વાગે દરવાજાને તાળુ મારેલ હતુ અને આજ રોજ સવારના સાતેક વાગે જોતા ઘરના દરવાજાનુ તાળુ તુટેલ હતુ.
આ વાત જાણીને દશરથભાઈ મહેસાણાથી બોરૂ ગામ આવી પહોંચ્યા હતા. અને જોયેલ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલ હતો. જેથી તેમણે ઘરમાં જઇ જોતા વચ્ચેના રૂમમાં રાખેલ તીજોરીનો દરવાજો નકુચો તૂટેલ તેમજ માલ સામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો. બાદમાં દશરથભાઈએ વિગતવાર તપાસ કરતા તિજોરીમાંથી દોઢ તોલાનું સોનાનું ડોકિયું, સોનાનું પેંડલ, ચાંદીના નાના મોટા 12 સિક્કા, લક્ષ્મીજી તથા ગણપતી ભગવાનની ચાંદીની મૂર્તીઓ, ચાંદીના ત્રણ જુડા તેમજ ચાંદીની સેરો મળીને કુલ રૂ. 1 લાખ 60 હજારનો મુદ્દામાલ ચોરી થયાનું માલુમ પડયું હતું.
આ સિવાય તેમના ઘરની બાજુમાં રહેતા મોટા ભાભી હંસાબેન પ્રહલાદભાઈ પ્રજાપતિનાં બંધ મકાનમાં પણ તસ્કરોએ ખાતર પાડયું હોવાનું સામે આવ્યું હતું. જ્યારે નજીકમાં આવેલ કુટુંબી ભાઈ ભરતભાઈ લવજીભાઈ પ્રજાપતિના બંધ મકાનના પણ તાળા તૂટેલા જોવા મળ્યા હતા. જો કે બંને મકાન માલીક બહારગામ હોવાથી તેઓના ઘરમાંથી કેટલા રૂપિયાની ચોરી થઈ તેની માહિતી જાણવા મળી ન હતી. આ અંગે દશરથભાઈની ફરીયાદના આધારે માણસા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.