UNGAમાં અયોધ્યા અને સીએએ પર પાકિસ્તાને ટિપ્પણી કરતાં ભારતે કડક જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને બરાબરનું નિશાન બનાવ્યું હતું.
સાથે પાકિસ્તાને કરેલી ટિપ્પણીને ખોટો રેકોર્ડ બતાવતાં જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર વિશ્વ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાન એક મુદ્દા પર જ ફસાઈ ગયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની સ્થાયી પ્રતિનિધિ રુચિરા કમ્બોજ એ સમયે ગુસ્સે થયાં હતાં કે જ્યારે ઇસ્લામાબાદના હાઇકમિશનરે અયોધ્યામાં રામમંદિર અને નાગરિકતા સુધારા અધિનિયમનો રેફરન્સ આપ્યો હતો. 193 સભ્યની સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શુક્રવારે પાકિસ્તાને ઇસ્લામોફોબિયાને દૂર કરવાના ઉપાયોનો પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો હતો, જેના પક્ષમાં 115 દેશોએ મતદાન કર્યું હતું. જ્યારે ભારત સહિત 44 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. 115 મત તરફેણમાં પડયા બાદ આ પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના રાજદૂત મૂનીર અકરમે અયોધ્યામાં રામમંદિર અને સીએએને લઈને કેટલીક ટિપ્પણીઓ કરી હતી. જેનો રુચિરા કમ્બોજ જવાબ આપી રહી હતી. તેણે જણાવ્યું હતું કે મારા દેશને સંબંધિત મામલે આ પ્રતિનિધિમંડળના સીમિત અને ગેરમાર્ગે દોરનારા દૃષ્ટિકોણને જોવો વાસ્તવમાં દુર્ભાગ્યપૂર્ણ છે. જ્યાં સમગ્ર વિશ્વ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાન એક મુદ્દા પર જ ફસાયેલું છે.