પાટણના MLA કિરીટ પટેલે દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ કર્યો. કિરીટ પટેલે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ પર કટાક્ષ કરતા કહ્યું કે ‘ચૂંટણી ભામાશા નથી લડતા મેનેજમેન્ટથી લડાય છે’. લોકસભા ચૂંટણીમાં પાટણની બેઠક મામલે ઉમેદવાર જાહેર ના કરાતા હાલમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાટણના ધારાસભ્ય કોંગ્રેસ નેતાએ બે દિગ્ગજ નેતાઓ પર પ્રહાર કર્યા હતા.
કારોબારી બેઠકમાં તેમણે કહ્યું કે અહીં બે લોકોને ભામાશા કહેવાય છે. ચૂંટણી વખતે આ ભામાશા કહેતા હોય છે કે લોકો રૂપિયા લઈ જાવ, એક લાખ, પાંચ લાખ. લોકોએ રૂપિયા લીધા તોય હારી ગયા. આથી હું જાહેરમાં કહું છું કે મારી પાસે રૂપિયા લેવા માટે ના આવવું. કેમકે ચૂંટણી ભામાશાઓ નથી લડતા મેનેજમેન્ટથી લડાય છે. કિરીટ પટેલે જેને ભામાશા કહે છે તે રાજકીય વર્તુળોમાં તમામ લોકો સારી રીતે માહિતગાર છે.
કારોબારી બેઠકમાં નેતાઓને આડેહાથ લેનાર કિરીટ પટેલે કહ્યું કે કોંગ્રેસમાં એવા કેટલા નેતાઓ છે જે રહે છે કોંગ્રેસમાં અને ખાનગીમાં ભાજપ સાથે હાથ મિલાવે છે. આથી હું આવા નેતાઓને ફૂટેલી તોપો કહું છું. ભાજપ તરફથી કોંગ્રેસના નેતાઓને પૈસા આપવામાં આવે છે મને પણ ચૂંટણીમાં આવા અનુભવો થયા છે. પરંતુ હું રૂપિયા લેતા નથી એટલે અમારું કામ દેખાતું નથી. ભાજપ કહે છે કે અમારી પાર્ટી મોટી છે પરંતુ ગુજરાતમાં વધુ ધારાસભ્યો અને મંત્રીઓ કોંગ્રેસ પાર્ટીના છે. અને આથી જ ભાજપ પોતાના કાર્યકરોને મહત્વ આપવાના બદલે કોંગ્રેસ નેતાઓને રૂપિયા આપી તોડવા પ્રયાસ કરે છે. આ જ બતાવે છે કે ભાજપ ડરી ગઈ છે અને ચૂંટણી જીતવા આ પ્રકારના હથકડાં અપનાવી રહી છે.
પાટણના કોંગ્રેસ નેતા કિરીટ પટેલ હંમેશા વિવાદિત નેતા રહ્યા છે. પોતાની સમસ્યા પક્ષ સાથે ઓછી મીડિયા સાથે વધુ શેર કરતા હોવાનું રાજકીય વર્તુળોમાં ગણગણાટ થતો રહે છે. ડિસેમ્બર મહિનામાં તેમના રાજીનામાને લઈને પણ ચર્ચાનો દોર શરૂ થયો હતો. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના કેટલાક હોદેદારોથી નારાજ છે. આ મામલે તેમણે હાઈકમાન્ડને લેખિત રજૂઆત પણ કરી હોવાનો દાવો કર્યો હતો. ચૂંટણીમાં પૈસા લઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાની તેમજ તે લોકો વિરુદ્ધ કાયદાકીય પગલા લેવા જણાવ્યું હતું. અને આ માંગ પૂરી ના કરતાં રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
કિરટી પટેલે ભૂતકાળમાં એક જાહેરસભામાં ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલની હાજરીમાં નિવેદન આપતાં કહ્યું હતુ કે ચૂંટણી પહેલા એવું લાગે છે કે ભાજપનો સફાયો થઈ જશે પરંતુ સફાયો આપણો એટલે કે કોંગ્રેસનો થઈ જાય છે.