ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણની અફવા છેલ્લા થોડા સમયથી ચરમસીમા એ હતી પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુજરાત મુલાકાત સાથે જ હવે ચિત્ર સાફ થઇ ચૂકયુ છે. સૂત્રોના મતે હવે રાજ્યમાં આવી રહેલી સાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ બાદજ મંત્રી મંડળ વિસ્તરણ થશે. મંત્રી મંડળ વિસ્તરણ ગમે ત્યારે થાય, પરંતુ મંત્રી મંડળમાં સમાવિષ્ટ થવા ઇચ્છુક ઉમેદવાર ધારાસભ્યોએ ગુડ બુકમાં ટોપ ઉપર આવવા માટે કસરત આરંભી દીધીછે. કોણ કોને પછાડવા છે ઉત્સુક અને કોને છે મંત્રી બનવાના અભરખા જોઇએ એક વિશેષ અહેવાલ….. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની પ્રદેશ અધ્યક્ષ તરીકેની ત્રણ વર્ષની ટર્મ પૂરી થઇ છે. આગામી ડીસેમ્બરમાં નવુ પ્રદેશ માળખુ ઘોષિત થવાનુ છે ત્યારે તે પાટીદાર મંત્રી તરીકે કેબિનેટમા સમાવાશે તેવી વાત હાલ ચાલી રહી છે. તેઓ પોતે પણ હવે પ્રમુખ કરતા કેબિનેટ મંત્રી બનવાનુ મન બનાવી ચૂકયા હોવાનુ પણ મનાઇ રહ્યુ છે. કચ્છમાંથી પ્રતિનિધિત્વ કરી રહેલા વાસણ આહીરની ઓડીયો કલીપ તેમને મંત્રીમંડળમાંથી પડતા મૂકવાનુ કારણ બની શકેછે અને તેમના સ્થાને કચ્છમાં નીમા બેનને પ્રતિનિધિત્વ અપાય તેમ મનાઇ રહ્યુ છે.
મધ્ય ગુજરાતના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હવે મંત્રી પદની ચર્ચામાં છે. જો રાજેન્દ્ર ત્રિવેદીને કેબિનેટમાં સમાવાય તો વિધાનસભાના અધ્યક્ષ તરીકે આર.સી.ફળદુને જવાબદારી સોંપવામાં આવે તેવી ચર્ચા છે. ફળદુના સ્થાને જામનગર થી રાઘવજી પટેલને કેબિનેટમાં સમાવી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે રાઘવજી કોંગ્રેસ માંથી ભાજપમાં આવ્યા ત્યારે તેમને કેબિનેટ મંત્રી બનવાનુ વચન ભાજપ તરફથી અપાયુ હતુ. જોકે ત્યારે તેઓ ચૂંટણી જીતી શકયા નહીં પરંતુ, હવે પેટા ચૂંટણી જીતી જતા ફરીથી તેમને મંત્રી પદ આપીને ભાજપ પોતાનુ વચન પૂરૂ કરશે તેમ મનાઇ રહ્યુ છે. લોકસભા ચૂંટણી સમયે દિલીપ ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાની ના પાડીને પાર્ટી મેન્ડેટની અવગણના કરી હતી. જેને કારણે હવે દિલીપ ઠાકોરને પડતા મૂકીને તેમના સ્થાને અલ્પેશ ઠાકોરને કેબિનેટમાં સમાવાશે તેવી ચર્ચા છે.