અમદાવાદ-રાજકોટ હાઇવે પર થયેલી એક લૂંટે ત્રણ જિલ્લાની પોલીસને દોડતી કરી દીધી હતી. અધડી રાત્રે બોલેરોને આઠથી દસ લૂંટારાએ આંતરીને પળવારમાં 107 કિલો ચાંદી લૂંટીને ફરાર થઈ ગયા હતા. ફિલ્મી ઢબે થયેલી આ લૂંટનો માસ્ટરમાઈન્ડ શિવા ઉર્ફે મહાલિંગમ હોવાનું અને જેલમાં જ લૂંટનો પ્લાન ઘડાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
5 માર્ચ, 2024 મંગળવાર રાતના 10 વાગ્યાનો સમય હતો. અમદાવાદના નારોલમાં આવેલી એચ.એલ. કાર્ગો કંપનીના ગોડાઉનમાંથી કેટલાક પાર્સલ ભરીને બંધ બોડીની બોલેરો પિક-અપ વાન રાજકોટ માટે રવાના થઈ હતી. આ પાર્સલમાં લાખો રૂપિયાની ચાંદી હતી. બે વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરતાં સંજયભાઈ ઘોઘોળ તથા ક્લીનર પીયૂષભાઈ માટે આ ટ્રિપ એકદમ સામાન્ય હતી. આ બન્ને લોકોને જરા પણ અંદાજો નહોતો કે તેમની ગતિવિધિ પર કેટલાક લોકો ઘાત લગાવીને બેઠા છે. 6 મહિનાથી થઈ રહેલી રેકી એ રાત્રે લૂંટમાં પરિણમી.
નારોલથી પાર્સલ ભરીને ડ્રાઇવરે અસલાલીમાં આવેલા પેટ્રોલ પંપ પર ગાડીમાં ડીઝલ પુરાવ્યા પછી રિંગરોડથી સનાથળ ચોકડી થઇ રાજકોટ તરફ આગળ વધ્યા. મુસાફરી લાંબી હતી અને રાતનો સમય હતો એટલે બાવળા અને ભાયલા ગામના પાટિયા પાસે આવેલ હોટલ પર ચા પીવા માટે રોકાયા હતા. ચા પીને તેમણે ફરી રાજકોટ તરફ ગાડી આગળ વધારી હતી. બધું જ સામાન્ય રીતે ચાલી રહ્યું હતું, પણ ગોદરા ટોલટેક્સ પસાર કરીને રાત્રિના સવા બારેક વાગ્યે જનસાળી ગામ નજીક આવેલા પેટ્રોલ પાસે પહોંચ્યા ત્યાં તો સપનેય વિચાર્યું ન હોય એવો ઘટનાક્રમ શરૂ થયો.
એક અજાણી કારે પાર્સલ ભરેલી બોલેરોને ઓવરટેક કરીને આગળ લાવીને ભટકાડી દીધી હતી. ડ્રાઇવર અને ક્લીનર કાંઈ સમજે એ પહેલાં જ પાર્સલ ભરેલી બોલેરોની પાછળ બીજી ગાડી આવીને ઊભી રહી ગઈ. બે-બે ગાડીથી ઘેરાબંધી થઈ જતાં ડ્રાઇવર-ક્લીનરને અંદાજો આવી ગયો કે હવે કંઈક અનિચ્છનીય થઈ શકે છે, પરંતુ ગાડીમાંથી બહાર નીકળવામાં ખતરો વધુ હતું, એટલે તેઓ ગાડીમાં જ બેસી રહ્યા હતા.
આગળ અને પાછળ ઊભેલી ગાડીમાંથી આશરે 7થી 8 માણસો ઊતર્યા હતા, જેમાંથી એક શખસ સીધો જ ડ્રાઇવર સંજયભાઈ પાસે આવ્યો અને બે-ત્રણ લાફા મારીને નીચે ઉતારવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ તેઓ નીચે નહીં ઊતરતાં તેમની બાજુમાં બેઠેલાં ક્લીનર પીયૂષભાઈ પાસે એક માણસ પહોંચી ગયો અને તેમના માથા પર નાની બંદૂક જેવું હથિયાર મૂકી દીધું હતું.
બીજી બાજુ, ડ્રાઇવરને હિન્દી ભાષામાં લૂંટારાએ આદેશ છોડ્યો કે તું નીચે ઊતરજા, વરના ઇસકો ખતમ કર દૂંગા.
ડ્રાઇવર સંજયભાઈ કાંઈ વિચારે એ પહેલાં તેમની નજીક પણ એક વ્યક્તિએ આવીને અંધારામાં માથામાં તથા મોઢા પર બંદૂકની પાછળ ભાગ માર્યો હતો. તેમને ગાડીમાંથી ખેંચીને નીચે ઉતારી લૂંટારાઓએ પોતાની ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા એટલે હાઇવે પર સન્નાટા વચ્ચે હલ્લો મચી ગયો હતો.
ડ્રાઇવર બાદ ક્લીનર પીયૂષભાઇને પણ ખેંચીને ગાડીમાંથી નીચે ઉતારી દીધા હતા. આ દરમિયાન કેટલાક શખસો બોલેરોમાં મૂકેલાં પાર્સલ લૂંટવા માટે ગાડીની પાછળ મારેલું તાળું તોડતા હતા, પરંતુ હાઇવે પર ચાલી રહેલા લૂંટના પ્રયાસમાં અચાનક જ નવો વળાંક આવ્યો હતો.
લૂંટનો પ્રયાસ ચાલુ હતો ત્યારે એક ઇકો ગાડી આવી અને હાઇવે પર ઊભી રહી ગઈ. એટલે લૂંટારા ચાંદીનાં પાર્સલ અને ઇમિટેશન જ્વેલરીનાં પાર્સલ ભરેલી બોલેરો ઉપરાંત પોતાની બે ગાડીઓ લઈને નાસી છૂટ્યા હતા. ડ્રાઇવર અને ક્લીનરને ત્યાં જ છોડી દીધા હતા, પણ બોલેરોમાં ડ્રાઇવર અને કંડક્ટરના મોબાઇલ રહી ગયા હતા. સજાગ ઇકો ગાડીના ચાલકે ગાડીઓના ફોટા પાડી લીધા હતા, જેમાં લૂંટમાં વપરાયેલી કારના નંબર દેખાતા હતા.
ત્યાર બાદ ડ્રાઇવર સંજયભાઈએ ઇકોવાળાને સમગ્ર હકીકત જણાવી હતી, એટલે સંજયભાઈ તથા ક્લીનરને ઇકોવાળાએ પોતાની ગાડીમાં બેસાડ્યા અને પાણશીણા તરફ ભાગેલા લૂંટારાઓનો પીછો કર્યો હતો. ત્યારે રસ્તામાંથી સંજયભાઈએ ઇકોગાડીના ચાલક પાસેથી મોબાઈલ લઈ પોતાના શેઠને લૂંટ વિશે જાણ કરી હતી. થોડે આગળ જતાં રસ્તામાં પાણશીણા ચેક પોસ્ટ આવતાં ત્યાં હાજર પોલીસને લૂંટની જાણ કરી હતી. પછી થોડીક જ મિનિટોમાં અન્ય વિસ્તારની પોલીસ પણ દોડતી થઈ હતી.
પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઇવર સંજયભાઈએ આખો ઘટનાક્રમ વર્ણવ્યો અને હિંટ આપતાં કહ્યું, લૂંટારાઓ અંદરોઅંદર હિન્દી ભાષામાં વાત કરતા હતા. તમામ માણસોએ મોઢે માસ્ક પહેર્યું હોવાથી ચહેરા જોઈ શકાયા નહોતા, પરંતુ આરોપીઓની ઉંમર આશરે 30થી 35 વર્ષ હશે.
પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ કરતાં કાનપરા ગામ તરફ જવાના રસ્તા પર આવેલી ફેક્ટરી પાસે લૂંટાયેલી બોલેરો પિક-અપ વાન બિનવારસી હાલતમાં મળી આવી હતી. ગાડીના પાછળના બંને દરવાજા ખુલ્લા હતા. ગાડીમાં રહેલાં પાસર્લ વેરવિખેર હતા. અમુક પાર્સલ તૂટેલાં, ખુલ્લાં અને ખાલી પડ્યાં હતાં. થોડીવારમાં જ કંપનીના માલિક દિનેશ દેસાઈ, ડી.સી.પટેલ તેમજ કંપનીના મેનેજર અંકુર પટેલ ત્યાં પહોંચી ગયા હતા.
કંપનીના મેનેજર અંકુર પટેલે પોલીસને જણાવ્યું હતું કે અમારી ગાડીમાંથી ઇમિટેશન જ્વેલરીનાં 7 પાર્સલ, જેમાં 10 કિલો વજનની આશરે 56 હજાર 250 કિંમતની જ્વેલરી તથા આશરે 153 કિલો વજનની શુદ્ધ ચાંદી તથા મિશ્રિત ચાંદીનાં 43 પાર્સલ હતાં, જેની કિંમત 98 લાખ 28 હજાર 663 રૂપિયા થાય છે. આમ, બંને મળીને કુલ 50 પાર્સલ, જેની કિંમત 98 લાખ 84 હજાર 913નો મુદ્દામાલ તથા ડ્રાઇવર-ક્લીનરના મોબાઇલ હાલ મળ્યા છે.
લૂંટાયેલા મુદ્દામાલ વિશે જાણકારી આપતાં અંકુર પટેલે કહ્યું, ગાડીમાંથી ઇમિટેશન જ્વેલરીના 22 કિલો વજનનાં 4 પાર્સલ, જેની કિંમત 1 લાખ 23 હજાર 750 તથા આશરે 107 કિલો ચાંદીના 19 પાર્સલ કે જેની કિંમત 68 લાખ 62 હજાર 408 ગયા હતા. આમ, કુલ 69 લાખ 86 હજાર 158ની કિંમતનાં 23 પાર્સલની લૂંટ થઇ હતી. ડ્રાઇવરની ફરિયાદના આધારે પાણશીલા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર એ.કે. વાઘેલાએ ફરિયાદ દાખલ કરીને ગુનેગારોની શોધખોળ હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ગિરીશ પંડ્યાએ આ અંગે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે લૂંટના બનાવ વખતે બે આઇ-20 ગાડી હતી. એક ગાડીમાં લૂંટનો મુદ્દામાલ મૂકીને સુરેન્દ્રનગરમાં ધર્મેશના ઘરે લઈ ગયા હતા. બીજી ગાડી અમદાવાદ તરફ જતી રહી હતી. ધર્મેશના ઘરે આવીને બધાએ પાર્સલ ખોલ્યા હતા. લૂંટેલી ચાંદીમાંથી 18 કિલો ચાંદી ધર્મેશને આપી હતી, કારણ કે ધર્મેશની ગાડી અને ટૂ-વ્હીલરનો એ લોકોએ ઉપયોગ કર્યો હતો. ત્યાંથી પછી બીજી ગાડી આઇ-20 રવાના કરી દીધી હતી. જ્યારે બે માણસો ધર્મેશની મોટરસાઇકલ લઈને નીકળી ગયા હતા.
ધર્મેશના ઘરેથી લાલ રંગની બે બેગમાં વહેંચેલી ચાંદી અને અન્ય મુદ્દામાલ ભરવામાં આવ્યો હતો. પછી લૂંટનો માસ્ટરમાઇન્ડ શિવા ઉર્ફે મહાલિંગમ અને ધર્મેશ નારોલ આવ્યા હતા. ત્યાં ધર્મેશે પોતાના ભાગની 18 કિલો ચાંદી રાખી લીધી અને બાકીનો મુદ્દામાલ બીજી ગાડીમાં મૂકવામાં આવ્યો હતો, જેમાંથી ફરી ભાગ પાડીને શિવા અને મુંબઈના ફિરોઝ લંગડાએ 30થી 34 કિલો ચાંદી કાઢી લીધી અને બાકીની ચાંદીને સગેવગે કરવા માટે શિવાએ મૂળ કચ્છના સિકંદરની મદદ લીધી હતી.
શિવા ઉર્ફે મહાલિંગમને જ્યારે અમદાવાદ પોલીસે પાસા હેઠળ વડોદરાની જેલમાં મોકલ્યો હતો ત્યારે તેની મુલાકાત સિકંદર સાથે થઈ હતી. સિકંદરે 50 કિલોની આસપાસની ચાંદી અને અન્ય વસ્તુઓ ઠેકાણે પાડવા માટે વડોદરામાં રહેતી તેની મહિલા મિત્રનો સંપર્ક કર્યો હતો.
સુરેન્દ્રનગરના SP ગિરીશ પંડ્યાએ કહ્યું, અમારી પાસે એક ગાડીમાંથી બીજી ગાડીમાં મુદ્દામાલ ટ્રાન્સફર કરતાં CCTV ફૂટેજ અને બે-ત્રણ શંકાસ્પદ નંબર હતા. આ નંબર વડોદરાના એક્ટિવના હતા. શંકાસ્પદ વાહનો વડોદરામાં ચાર-પાંચ કલાક રોકાયા હોવાની માહિતી મળી હતી. એટલે અમે વડોદરા શહેર પોલીસને વાહન નંબર આપ્યા હતા.
શિવો વડોદરા જેલમાં રહીને ગયો હોવાથી વડોદરા પોલીસે પણ કેટલાક શંકાસ્પદ નંબર સર્વેલન્સમાં નાખ્યા હતા. ત્યારે તેમને એક માહિતી મળી હતી. વડોદરા વિસ્તારના એક શંકાસ્પદ નંબરને લોકેટ કરતાં તે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં એક્ટિવ હોવાની જાણકારી મળી હતી. થોડા સમયમાં આ મોબાઇલ નંબર ધરાવતી વ્યક્તિએ વાસદ ક્રોસ કર્યું હોવાની માહિતી મળી એટલે પોલીસ સતર્ક થઈ ગઈ હતી. પોલીસે શંકાસ્પદ વાહનમાં તપાસ કરતાં મુદ્દામાલ મળી ગયો હતો, પણ શિવો ભાગી જવામાં સફળ રહ્યો હતો.
વડોદરા પોલીસે હરણી-વારસિયા રિંગ રોડ પર એક ઓટોરિક્ષાને શંકાના આધારે ઊભી રાખીને તપાસ કરી હતી, જેમાં પેસેન્જર સીટ પાછળ છુપાવેલી બેગમાં ચાંદીનાં ઘરેણાં તથા ઇમિટેશન જ્વેલરી અને વજન કાંટો મળી આવ્યો હતો. પોલીસે જપ્ત કરેલી 55 કિલો ચાંદીની કિંમત 39 લાખ રૂપિયા થાય છે જ્યારે ચાંદીના દાગીના તેમજ અન્ય વસ્તુઓ ઉપરાંત 20 હજારની કિંમતની ઇમિટેશન જ્વેલરીનો સમાવેશ થાય છે. એટલે પોલીસે રિક્ષાચાલક સંજય રાજપૂત તથા તેની દીકરી તેજલ ઉર્ફે આયશા અને આશીફ ઉર્ફે ઇરફાન માટલીવાલાની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપી વડોદરાના જ વતની છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે બોલેરો લૂંટવાની ઘટનામાં સીધી રીતે આ ત્રણેય આરોપીની કોઈ ભૂમિકા ન હતી.
વડોદરાથી ઝડપાયેલા આરોપીઓએ પૂછપરછમાં ઘટસ્ફોટ કર્યો હતો કે અમદાવાદમાં રહેતા સિકંદર લેંઘા અને શિવા મહાલિંગમ તેમજ એક મહિલા અને એક અજાણ્યો ઇસમ યાકુતપુરામાં અમારા ઘરે આવ્યા હતા. તેમણે અન્ય સાગરીતો સાથે મળીને સુરેન્દ્રનગર હાઈવે પર કરેલી લૂંટનો મુદ્દામાલ જલદીથી વેચી નાખીને એનો નિકાલ કરવાનું કામ અમને સોંપ્યું હતું.
બીજી તરફ, ધર્મેશે પોતાની પાસે રહેલી 18 કિલો ચાંદી
અમદાવાદના નરોડામાં પોતાની સાસરીમાં મૂકી દીધી
હતી. લૂંટના ગણતરીના કલાકોમાં જ પોલીસને કડી મળી
કે ધર્મેશ ઝીંઝુવાડિયા નામના એક શખસની આ કેસમાં
સંડોવણી હોઈ શકે છે, એટલે તાત્કાલિક ધોરણે પેરોલ PSI
જે.વાય.પઠાણ તેમની ટીમ સાથે અમદાવાદ પહોંચી હતી.
આ સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીઆઈ વી.બી.આલ
પણ તેમની સાથે હતા. બાતમીના આધારે દરોડા પાડીને
પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 18 કિલો
355 ગ્રામ ચાંદીનો જથ્થો જેની કિંમત 12 લાખ 84 હજાર
850 કબજે કર્યો હતો. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી
સ્વિફ્ટ કાર પણ કબજે કરી હતી. કારમાંથી દેશી બનાવટનો
એક તમંચો તથા એક જીવતી કારતૂસ પણ મળી આવ્યાં
હતાં. ધર્મેશને ઝડપી પાડ્યા બાદ ફરીદ મોમિન તથા મહંમદ
ઇમરાન તેમજ રાજકોટના આરીફ સોરાની ધરપકડ કરી
હતી.
આ ગુનામાં સિંકદર પણ સંડોવાયેલો હોવાથી વડોદરા પોલીસને શિવો જ્યારે વડોદરા જેલમાં હતો ત્યારે જ સિકંદરના સંપર્કમાં આવ્યો હોવાની સાથોસાથ જેલમાં જ તેમણે લૂંટની યોજના ઘડી હોવી જોઈએ એવી શંકા છે.
સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે શિવો ઘણા સમયથી નારોલથી નીકળતી ગાડીની રેકી કરતો હતો. એચ.એલ. કંપનીની ગાડી મોટે ભાગે રોજ રાત્રે 9થી 11 વાગ્યે નીકળે છે એવી શિવાને માહિતી હતી. લૂંટમાં શિવાના ચારથી પાંચ લોકો સામેલ હતા, જ્યારે મુંબઈનો ફિરોઝ લંગડો પાંચથી છ સાગરીતોને લઈને આવ્યો હતો. જોકે લૂંટ થઈ એ સમયે શિવો ઘટનાસ્થળથી થોડે દૂર અન્ય ગાડીમાં હતો.
શિવો ઉર્ફે મહાલિંગમ ખૂનખાર ગુનેગાર છે. તે પરિવાર તામિલનાડુના ચેન્નઇના આઇનાવરમનો છે, પરંતુ શિવાનો જન્મ અમદાવાદના અમરાઇવાડીમાં થયો હતો. અગાઉ તે અમરાઇવાડીના સત્યનારાયણની ચાલીમાં બાબુ રાજારામના મકાનમાં રહેતો હતો, પરંતુ કેટલાક સમયથી તેણે જુહાપુરામાં અડ્ડો જમાવ્યો હતો. તેણે છઠ્ઠા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. શિવાની માતાનું નામ સમુદમ મુર્ગયન પિલ્લાઇ છે. કેટલાંક વર્ષ અગાઉ શિવાએ આફતાબ નામ ધારણ કર્યું હતું. તેના જમણા હાથ ઉપર છૂંદણથી નયના લખેલું છે. તેની પત્નીનું નામ સાહિસ્તાબાનું છે. તેના બે ભાઈ અને બહેન પણ છે.
મહાલિંગમ છેલ્લાં 25 વર્ષથી ગુનાખોરીની દુનિયામાં સંકળાયેલો છે. તેની સામે હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, આર્મ્સ એક્ટ તથા NDPS હેઠળ અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય ઉપરાંત વડોદરા અને રાજકોટમાં કુલ 24 જેટલા ગુના નોંધાયેલાં છે. તેણે જાન્યુઆરી, 2012માં અમદાવાદ પાસે મકરબા ગામની સીમમાં આવેલા નીમા હાઉસમાં ઘૂસીને લૂંટ કરતા ભારે ચકચાર જગાવી હતી. આ ગુનામાં તેની સાથે ફિરોઝ પણ હતો. એક ગુનામાં મહાલિંગમનો મિત્ર સુબ્રહ્મણ્યમ ઉર્ફે ઘેટિયો પોલીસ સાથેની અથડામણમાં ઠાર મરાયો હતો.
મહાલિંગમને 23 વર્ષ અગાઉ 2001માં તેને અમરાઇવાડીમાં કરેલી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા થઇ હતી. આ ઉપરાંત અમરાઇવાડીમાં જ નોંધાયેલા NDPSના ગુનામાં 10 વર્ષની સજા થઇ હતી. સુરતમાં પણ તેની વિરુદ્ધ એક ગુનો નોંધાતાં ધરપકડ થઈ હતી. અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલો મહાલિંગમ દોઢેક વર્ષ અગાઉ સુરતની જેલમાંથી જ કોઈક રીતે છૂટ્યો હોવાની માહિતી છે.