લોકસભાની ગુજરાતની 4 બેઠકો માટે ભાજપના ઉમેદવારોની યાદી એકાદ બે દિવસમાં જાહેર થઇ જશે. ભાજપે અત્યાર સુધીમાં 26માંથી 22 નામ જાહેર કર્યાં છે અને બાકીના નામ નક્કી કરવાની પ્રક્રિયામાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના ગુજરાત પ્રમુખ સી આર પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર સોમવારે સાંજે દિલ્હી પહોંચી ગયા હતા. તેઓએ ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે બેઠક કરી હતી.
મહેસાણા અને અમરેલી બેઠકમાં અનુક્રમે કડવા અને લેઉવા પાટીદાર ઉમેદવારને ઉતારવામાં આવી શકે છે, જ્યારે સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠક પર કોળી ઉમેદવારોને તક આપે તેવી શક્યતા છે. આ ચાર પૈકી બે ઉમેદવારો મહિલા હોવાની સંભાવના વધુ છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો પર જાહેર થયેલી ચૂંટણી માટે ઉમેદવારોના નામ પણ બહાર પાડવામાં આવશે. આ બેઠકો પર રાજીનામું આપનારાં ધારાસભ્ય જ ઉમેદવાર તરીકે આવી શકે છે.
સોમવારે સવારે અમદાવાદમાં એસજી હાઇવે પર મુખ્યમંત્રી અને પાટીલે ભાજપનું મીડિયા સેન્ટર ખુલ્લું મૂક્યું હતું. આ સમયે પાટીલે કહ્યું કે પેટાચૂંટણી માટે જાહેર નહીં થયેલી બેઠક વિસાવદર પર ચૂંટણી યોજવા માટે ભાજપે ચૂંટણી પંચને રજૂઆત કરી દીધી છે. બાકીની બેઠકોની સાથે જ આ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.