ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ માટે જાણીતી સરકારી બેંકો અવાર નવાર છાપે ચડતી હોય છે,એવામાં રાજપીપળાની બેંક ઓફ બરોડા એ ખાતેદાર ના જોઈન્ટ એકાઉન્ટ માંથી બીજાને બદલે પ્રથમ નામ ધરાવતા ખાતેદારનું જ નામ ઉડાવી દેતા આ મામલે ખાતાધારક ઈકરામ મહેમુદભાઈ મલેક અને બેંક કર્મચારીઓ સાથે રકઝક થઈ હતી.
ત્યારે ભણેલા ગણેલા અને હોંશિયાર ગણાતા બેંક ઓફ બરોડાના કર્મચારીઓ ઊંધું માર્યું હોવા છતાં “ચોરી પે સીના જોરી” કરી ખાતા ધારક સાથે દાદાગીરી કરતા, એકાઉન્ટ હોલ્ડર ઈકરામ મલેક દ્વારા BOB ના સ્ટાફ ની શાન ઠેકાણે લાવવાનો નિર્ધાર કરી “રિઝર્વ બેક ” ને ઈ મેલ દ્વારા તમામ પુરાવાઓ સાથે ફરિયાદ કરતા રિઝર્વ બેન્ક ના ફરિયાદ નિવારણ વિભાગ દ્વારા આ મામલે બેંક ઓફ બરોડા ને જવાબદાર ઠેરવી હતી.અને બેંક ઓફ બરોડા ના જવાબદાર કર્મી ને નોટિસ આપી એકાઉન્ટ હોલ્ડર ઈકરામ મહેમુદભાઈ મલેક ને થયેલી હેરાનગતિ બદલ રૂ.5000/- ચૂકવી દેવા ઓર્ડર કરતા બેંક ઓફ બરોડા એ ખાતા ધારક ના ખાતા મા રૂ.5000/- જમા કરાવી દીધા હતા અને પોતાની ભૂલ સ્વીકારી જોઈન્ટ એકાઉન્ટ માંથી કમી થઈ ગયેલું નામ ફરી એડ કરી દેવાની તૈયારી બતાવી હતી.પણ એકાઉન્ટ ધારક ઈકરામ મલેક દ્વારા આ રકમ સ્વીકારવાનો ઈન્કાર કરી ઉદ્ધતાઈ કરનાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ની માંગણી કરી છે, જેથી કરી ને કોઈપણ સામાન્ય ખાતાધારક ને તુચ્છ ગણી ને એની સાથે તોછડાઇ કરતા પહેલા બેંક ના કર્મચારીઓ સો વખત વિચાર કરે.