મહેસાણા જિલ્લામા એસીબીએ સપાટો બોલાવ્યો છે. પહેલા વિસનગર શહેર પોલીસ સ્ટેશનની સેકન્ડ મોબાઇલ વાનનો સ્ટાફ 200 રુપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. હવે જેલ સહાયકને આણંદ એસીબીએ મહેસાણામાં ડિકોય ટ્રેપ ગોઠવીને ઝડપી લીધો છે. જેલમાં કેદીઓની મુલાકાત લાંચ લઈને કરાવવામાં આવતી હોવાને લઈ ડિકોય ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
પહેલા વિસનગર પોલીસ સ્ટેશનની સેકન્ડ મોબાઇલ વાનના સ્ટાફને 200 રુપિયાની લાંચની ડિકોય ટ્રેપમાં ઝડપી લીધો છે. હવે મહેસાણા જિલ્લા જેલમાં એસીબીએ ડિકોય ટ્રેપ ગોઠવતા જેલ સહાયક ઝડપાયો છે. આણંદ એસીબીની ટીમ દ્વારા ડિકોય ટ્રેપનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને જેમાં લાંચ લેતા જેલ સહાયક ઝડપાયો હતો.
મહેસાણા જિલ્લામાં લાંચ લઇને કેદીઓ સાથે તેમના મુલાકાતીઓની મુલાકાત ગોઠવી આપવામાં આવતી હોવાની ફરિયાદને પગલે એસીબીએ ડિકોય ટ્રેપ ગોઠવી હતી. જેને લઈ એસીબીએ છટકુ ગોઠવવાનું આયોજન કર્યુ હતુ. જ્યાં જેલ સહાયક ચિંતન પૃથ્વીરાજ ચૌધરી લાંચ લેતા ઝડપાઇ આવ્યો હતો.
એસીબીને માહિતી મળી હતી કે, મહેસાણા જિલ્લા જેલમાં કેદીઓની મુલાકાત તેમના મુલાકાતીઓને લાંચની રકમ લઈને કરાવવામાં આવે છે. કેદીઓના પરિવારજનો, મિત્રો કે સગા-સંબંધીઓ અને અન્ય મુલાકાતીઓને જેલ કર્મચારીઓ દ્વારા પૈસા લઇને મુલાકાત ગોઠવી આપતા હોવાની વિગતોની ફરિયાદ ઉઠી હતી. મુલાકાત કરાવવા માટે 500 રુપિયાથી લઇને 2000 રુપિયા સુધીની રકમ લાંચ સ્વરુપે લેવામાં આવતી હોવાની એસીબીના અધિકારીઓને બાતમી મળી હતી.
જેને લઈ એક ડિકોયર તૈયાર કરીને આ માટેની ટ્રેપ આણંદ એસીબીની ટીમ દ્વારા ગોઠવવામાં આવી હતી. એસીબીએ ડિકોયર મહિલાના પતિના મિત્ર મહેસાણા જિલ્લા જેલમાં બંધ હોવાને લઈ તેમની મુલાકાત કરવા માટેની ટ્રેપ ગોઠવી હતી. ડિકોય ટ્રેપ ગોઠવી પંચો સાથે એસીબીની ટીમ જિલ્લા જેલ ખાતે પહોંચતા જ્યાં જેલ સહાયક ચિંતન પૃથ્વીરાજ ચૌધરી 500 રુપિયાની લાંચ લેતા ઝડપાઇ આવ્યો હતો.
આ પહેલા ગાંધીનગર એસીબીએ વિસનગરમાં ડિકોય ટ્રેપનું આયોજન કરતા ત્રણ પોલીસ કર્મચારીઓ અને એક જીઆરડી જવાન સામે કાર્યવાહી કરવામાં આવી છે. એસીબીની ટીમે ડિકોય ટ્રેપમાં 200 રુપિયાની લાંચ લેતા સ્થળ પરથી બે પોલીસ કર્મી અને એક જીઆરડી જવાનને ઝડપી લીધો હતો.જ્યારે એક પોલીસ કર્મી ટ્રેપ થયાનું જાણતા જ સ્થળ પરથી દોટ મુકીને ભાગી છૂટ્યો હતો.
આમ એસીબીએ એક બાદ એક બે ડિકોય ટ્રેપના આયોજન કર્યા હતા. બંને ટ્રેપમાં એસીબીએ કાર્યક્ષેત્ર બહારની ટીમો મોકલીને છટકું ગોઠવી સફળતા મેળવી છે. જેલમાં ટ્રેપ માટે મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમની ટીમ આણંદથી મહેસાણા પહોંચ્યા હતા અને જ્યાં ટ્રેપમાં જેલ સહાયકને ઝડપી લેવામાં આવ્યો હતો.