અમદાવાદ
ગુજરાત એ.ટી.એસ. ના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને ગુપ્ત બાતમી મળેલ કે, વર્ષ 2020માં ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના ગુન્હામાં વોન્ટેડ આરોપી મોહમ્મદ ઈરફાન @ ઈરફાન બીસ્તી, S/o મોહમ્મદ યાકુબ, રહે. મહીદપુર, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ હાલમાં મધ્ય પ્રદેશના ઈંદૌર ખાતે છૂપાઈને રહે છે. જે બાતમી ગુજરાત એ.ટી.એસ.ના સીનીયર અધિકારીશ્રીઓને જાણ કરી સદર બાતમી મધ્યપ્રદેશ એ.ટી.એસ. સાથે શેર કરવામાં આવેલ.જેથી મધ્યપ્રદેશ એ.ટી.એસ. તથા ગુજરાત એ.ટી.એસ. દ્વારા આ બાતમીને ડેવેલોપ કરી આ વોન્ટેડ આરોપીની ઓળખ અને તેની ગતિવિધિ સબંધી ચોક્કસ માહિતી આધારે મધ્યપ્રદેશ એ.ટી.એસ.ના ઈંદૌર યુનીટની મદદથી ગુજરાત એ.ટી.એસ.ના પો.ઈન્સ. શ્રી વી. એન. વાઘેલા, પો.સ.ઈ. શ્રી વાય, જી. ગુર્જર તથા ટીમ દ્વારા મોહમ્મદ ઈરફાન @ ઈરફાન બીસ્તીનાની ઓળખ કરવામાં આવેલ, જે ઈસમ ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના ગુન્હામાં શકમંદ હોઈ તેને વધુ પૂછપરછ અર્થે ગુજરાત એ.ટી.એસ. ખાતે લાવી સઘન પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મોહમ્મદ ઈરફાન @ ઈરફાન બીસ્તી, S/o મોહમ્મદ યાકુબ, રહે. મહીદપુર, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ, ઉં. વર્ષ: 34 હોવાનું જણાવેલ તથા પોતે ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના ગુન્હામાં વોન્ટેડ આરોપી હોવાનું સ્વીકારેલ.ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલની 27 સપ્ટેમ્બર, 2020ના રોજ જીપ વડે ટક્કર મારીને હત્યા કરી દેવાઇ હતી. આ કાવતરામાં સંડોવાયેલ અન્ય એક આરોપી ઇમરાન ઉર્ફે ઇમુ ડાંડને ડીસેમ્બર 2020માં ગુજરાત ATS દ્વારા હરિયાણાના મેવાત જિલ્લાથી પકડી પાડવામાં આવેલ હતો.પકડાયેલ આરોપી ઈરફાન બીસ્તી તેના સહઆરોપીઓ મોહમદ સમીર મુજાવર, સજ્જનસીંગ ચૌહાણ તથા અન્યોની સાથે મળી હત્યાના કાવતરાને અંજામ આપવા બનાવના દિવસે અન્ય આરોપીઓ સાથે ઈંદૌરથી ઝાલોદ આવેલ અને ત્યારબાદ તેઓએ પૂર્વાઆયોજિત રીતે બનાવને અંજામ આપેલ. સદર આરોપીનું નામ F.I.R.માં હોવાની જાણ થતા તે સપ્ટેમ્બર 2020થી ફરાર થઈ ગયેલ અને મધ્ય પ્રદેશમાં પણ તેણે પોતાનું ગામ મહીદપુર છોડી દીધેલ અને તે ઈંદૌર ખાતે છૂપાઈને રહેતો હતો. ગુજરાત એ.ટી.એસ. દ્વારા પકડાયેલ આરોપી ઈરફાન બીસ્તીનાને અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે ઝાલોદ પોલીસને સોંપવામાં આવશે.