ભાજપની ત્રીજી યાદી જાહેર કરવાની તૈયારીઓની સાથે સાથે ગુજરાતમાં રાજકીય ગરમાવો

Spread the love

ભાજપ આજે ગણતરીના કલાકોમાં ત્રીજી યાદી જાહેર કરે એવી શક્યતા છે. એને પગલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના દાવેદારોનાં નામો અંગે ચર્ચા પણ કરી ચૂક્યા છે. જોકે ભાજપની ત્રીજી યાદી જાહેર કરવાની તૈયારીઓની સાથે સાથે ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. જેની વચ્ચે એવી ચર્ચા છે કે કોંગ્રેસે બે મજબૂત ચહેરા મેદાને ઉતાર્યા હોવાને કારણે ગુજરાતમાં ભાજપે બે ઉમેદવારોને બદલાવ પડે એવી નોબત આવી છે.

લોકસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકાયા બાદ ગુજરાત ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. રંજન ભટ્ટને ત્રીજીવાર ઉમેદવાર બનાવવાની જાહેરાત થતાં જ વડોદરા ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી પહેલા વડોદરાનાં પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાની નારાજગી બાદ કેતન ઇનામદારે કરેલા રાજકીય ડ્રામાને કારણે વડોદરા લોકસભા ઉમેદવાર બદલાવાની ચર્ચા ચાલી છે. આ ઘટનાક્રમ વચ્ચે હાલ ભાજપ બનાસકાંઠા અને વલસાડ સીટના ઉમેદવાર બદલવાની પણ તૈયારી કરી રહ્યો છે.

બનાસકાંઠા સીટ પરનો જંગ અત્યારથી જ ચર્ચામાં બનાસકાંઠામાં ભાજપે રેખાબેન ચૌધરીનું નામ જાહેર કર્યું છે, જેની સામે કોંગ્રેસે ઠાકોર એવાં ગેનીબેનને ચૂંટણીજંગમાં ઉતાર્યાં છે, જેને પગલે આ સીટ અત્યારથી જ ચર્ચામાં આવી ગઈ છે, પરંતુ ભાજપ હવે બનાસકાંઠા સીટ પરથી કોઈ સ્થાનિક ઉમેદવારને મેદાને ઉતારવામાં આવે એવી શક્યતા છે.

જ્યારે વલસાડ સીટ પરથી ભાજપે નવોદિત ચહેરો એવા ધવલ પટેલને ઉતાર્યા છે, પરંતુ હવે તેમને પણ બદલવાની ચર્ચા ચાલી રહી છે. ભાજપ ધવલ પટેલને બદલે કોઈ સ્થાનિકને તક આપે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. જ્યારે તેની સામે કોંગ્રેસના અનંત પટેલ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ વારંવાર ધવલ પટેલ સ્થાનિક ન હોવાની વાતને મુદ્દો બનાવી પ્રચાર કરી રહ્યા છે. ધવલ પટેલ મૂળ નવસારી જિલ્લાના ઝરી ગામના વતની છે તેમજ તેઓ છેલ્લાં 30 વર્ષથી સુરતમાં રહે છે. તેઓ પ્રચાર દરમિયાન કહે છે કે હું વલસાડનો જમાઈ છું. આ રીતે તેઓ મતદારોને પોતાની સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એવું પણ કહેવાય છે કે ભાજપની ત્રીજી યાદીમાં મહેસાણા અને અમરેલીના ઉમેદવારનાં નામ જાહેર થવાની કોઈ સંભાવના દેખાતી નથી. માત્ર જૂનાગઢ અને સુરેન્દ્રનગર સીટ પર જ ઉમેદવારોનાં નામ જાહેર થશે. મહેસાણા અને અમરેલી બેઠકમાં અનુક્રમે કડવા અને લેઉવા પાટીદાર ઉમેદવારને ઉતારવામાં આવી શકે છે, જ્યારે સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠક પર કોળી ઉમેદવારોને તક આપે એવી શક્યતા છે. આ ચાર પૈકી બે ઉમેદવાર મહિલા હોવાની સંભાવના વધુ છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠક પર જાહેર થયેલી ચૂંટણી માટે ઉમેદવારોનાં નામ પણ બહાર પાડવામાં આવશે. આ બેઠકો પર રાજીનામું આપનારા ધારાસભ્ય જ ઉમેદવાર તરીકે આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *