વડોદરા શહેરમાં મોડી રાત્રે લાગેલા બેનરોને પગલે શહેરમાં ભારે ચકચાર મચી હતી. રંજનબેનનુ ભાજપે ત્રીજી વખત લોકસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર કરતા કેટલાક લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. તેવામાં મોડી રાત્રે તેમના વિરૂદ્ધ બેનર લગાડનાર યુવાનો સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તેમની ધરપકડ કરી છે. ત્યારે આ મામલે પોલીસ માહિતી આપે તે પહેલા જ શહેર ભાજપ પ્રમુખે તેમના નામો જાહેર કરી માહિતી આપી હતી.
વડોદરા શહેરના કારેલીબાગ અને હરણી-સંગમ રોડ પર ગાંધી પાર્ક અને જાગૃતિ સોસા. બહાર મોડી રાત્રે રંજનબેન ભટ્ટ વિરૂદ્ધના બેનરો લગાડવામાં આવ્યાં હતા. જે અંગેના કેટલાક ફોટા અને વિડિયો સોશ્યલ મીડિયામાં વહેતા થયા હતા. જોકે સવાર પડતાજ આ બેનરો હટી પણ ગયા હતા. પરંતુ બેનરો પર લખાયેલા લખાણ એટલા ગંભીર હતા કે, આ મામલાની તપસા થાય તે માટે રંજનબેન દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીને ફરીયાદ કરી હતી.
જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને બેનર લગાડનાર બે યુવાનો સીસીટીવીમાં કેદ થયા હતા. આ બન્ને યુવાને સફેદ રંગની ઇકો કારમાં બેનર લગાડવા માટે નિકળ્યા હોવાનુ પણ સીસીટીવીમાં કેદ થયું હતુ. જેથી પોલીસે સીસીટીવી અને કારના નંબરના આધારે તપાસ શરૂ કરી અને કેમેરામાં કેદ થયેલા બન્ને યુવાનોને ઝડપી પાડવામાં આવ્યાં હતા.
જે અંગે શહેર ભાજપના પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા એક પત્રકાર પરિષદનુ આયોજન કરી માહિતી આપતા જણાવ્યું હતુ કે, આજે સવારથી એક ઘટના બની, ઘટના 2024ના લોકસભાના ચુંટણી સંદર્ભની, જે રીતે પ્રદેશ પ્રમુખે 156 વિધાનસભાની બેઠકો જીતાડી સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસ નામ શ્રેષ્ઠ રહીં ગઇ, તમે એ પણ જોયું હશે કે ગઇકાલે અમદાવાદના ઉમેદવારે લોકસભાની ચુંટણી લડવાની ના પાડી દીધી હતી. આ ફ્રેસ્ટ્રેશનનુ લેવલ વડોદરામાં પણ દેખાયું, મોડી રાત્રે બે વ્યક્તિઓએ કારેલીબાગ અને હરણી વિસ્તારમાં બેનર માર્યા… સવારથી પોલીસ વિભાગ તેની ઉપર તપાસ કરી રહીં હતી. ચારથી છ કલાકના ટુંકા ગાળામાં પોલીસે શોધી કાઢ્યાં અને જેવું વિચાર્યું હતુ તેવું થયું છે. વડોદરા શહેર કોંગ્રેસ યુથના બે કાર્યકરો હરીશ ઓડ ઉર્ફે હેરી અને શહેર વિધાનસભાના કોંગ્રેસના મહામંત્રી ધ્રુવિત વસાવા અને અન્ય એક વ્યક્તિ દ્વારા બેનરો લગાડવામાં આવ્યાં હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યું અને બન્નેની અટકાયત કરી તેમની પોલીસે પુછતાછ હાથ ધરી છે.