મેરઠમાં શનિવારે મોડી રાત્રે મોબાઈલ બ્લાસ્ટના કારણે એક ઘરમાં આગ લાગી હતી. અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 4 બાળકોનાં મોત થયાં હતાં. દરમિયાન તેમનાં માતા-પિતાની હાલત નાજુક છે. આ ઘટના પલ્લવપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારની જનતા કોલોનીમાં બની હતી.
ચાર્જરમાં શોર્ટ સર્કિટ થતાં મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ગાદલાં અને પડદામાં આગ લાગી જે આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. થોડી જ વારમાં આગ આખા રૂમમાં ફેલાઈ ગઈ અને ચારેય બાળકો તેમાં ફસાઈ ગયાં. સંતાનોને બચાવવાના પ્રયાસમાં માતા-પિતા પણ દાઝી ગયાં હતાં. આગની જ્વાળાઓમાં કોઈને બહાર આવવાની તક મળી ન હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં કલ્લુ (5 વર્ષ), ગોલુ (6 વર્ષ), નિહારિકા (8 વર્ષ) અને સારિકા (12 વર્ષ) છે. જ્યારે પિતા જોની મેડિકલ કોલેજમાં છે અને માતા બબીતા AIIMSમાં વેન્ટિલેટર પર છે. રાત્રે 2 વાગ્યે પુત્રી નિહારિકા અને પુત્ર ગોલુનું મૃત્યુ થયું હતું. મોટી બહેન સારિકાનું સવારે 4 વાગ્યે અને સૌથી નાના પુત્ર કલ્લુનું સવારે 10 વાગ્યે મૃત્યુ થયું હતું. તમામની મેડિકલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
મુઝફ્ફરનગરના સિખેડા ગામના રહેવાસી જોની તેમની પત્ની બબીતા અને ચાર બાળકો સાથે મેરઠની જનતા કોલોનીમાં પપ્પુના ઘરમાં ભાડેથી રહે છે. જોની દહાડી મજૂર છે. શનિવારે હોળીના કારણે જોની ઘરે હતો. સાંજે જોની અને બબીતા રસોડામાં હોળીની વાનગીઓ બનાવી રહ્યાં હતાં. ચારેય બાળકો રૂમમાં હતાં. રૂમમાં જ મોબાઈલ ચાર્જિંગ પર હતો. ત્યારબાદ ચાર્જરમાં શોર્ટ સર્કિટના કારણે મોબાઈલ ફાટ્યો અને આખા રૂમમાં આગ ફેલાઈ ગઈ.
રૂમમાં ફોમનું ગાદલું હતું, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે બાળકો ભાગી ન શક્યાં અને તેઓ આગની લપેટમાં આવી ગયાં. શોર્ટ સર્કિટના કારણે આગ ઓલવવી મુશ્કેલ હતી, કારણ કે વીજ કરંટ ફેલાવાનો ભય હતો. ફાયર બ્રિગેડ આવે તે પહેલાં આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી.
રૂમમાં આગ જોઈને માતા બબીતાએ ચારેય બાળકોને આગથી બચાવવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તે પણ ખરાબ રીતે દાઝી. પત્ની અને બાળકોને બચાવવા દોડેલો પતિ પણ આગની લપેટમાં આવી ગયો હતો. તમામ ઘાયલોને પહેલા એમ્બ્યુલન્સ દ્વારા ફ્યુચર પ્લસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્ત જોનીએ જણાવ્યું કે આગ લાગ્યા પછી બાળકો ચીસો પાડવા લાગ્યાં. વિસ્ફોટ અને બાળકોનો અવાજ સાંભળીને હું અને બબીતા રૂમ તરફ દોડ્યાં. આગ જોઈને અમે ચોંકી ગયાં. આગમાં બાળકો ખરાબ રીતે દાઝી ગયાં હતાં. બાળકોને બચાવતી વખતે અમે બંને ખરાબ રીતે દાઝી ગયાં. બાળકોની ચીસો સાંભળીને પાડોશીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પડોશીઓએ કોઈ રીતે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પલ્લવપુરમ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગંભીર રીતે દાઝી ગયેલાં બાળકો અને તેમનાં માતા-પિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. આગના કારણે ઘરવખરીનો સામાન પણ બળીને રાખ થઈ ગયો હતો.
પલ્લવપુરમ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મુન્નેશ સિંહે જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, બાળકો 70% બળી ગયાં હતાં, જ્યારે તેમનાં માતા-પિતા પણ 50% દાઝી ગયાં હતાં.