ગાંધીનગરના સરગાસણ કેપિટલ ફ્લોરા એપાર્ટમેન્ટના ધાબા ઉપર ચાલતી દારૂની મહેફિલનાં રંગમાં ભંગ પાડી ઈન્ફોસિટી પોલીસે સાત નબીરાની ધરપકડ કરી લેવાઈ છે. જો કે દારૂની મહેફિલમાં ત્રાટકેલી પોલીસને સાત ગ્લાસ તેમજ બે દારૂની ખાલી બોટલો સિવાય કોઈ મુદ્દામાલ હાથમાં નહીં આવતાં માત્ર સાત નબીરા વિરુદ્ધ દારૂ પીવાનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસની પીસીઆર વાન પોલીસ મથકની હદ વિસ્તારમાં ગત રાત્રી દરમ્યાન પેટ્રોલીંગ કરી રહી હતી. એ વખતે બાતમી મળી હતી કે, સરગાસણ કેપિટલ ફ્લોરા એપાર્ટમેન્ટના ધાબા ઉપર કેટલાક નબીરા દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેનાં પગલે પોલીસ એપાર્ટમેન્ટનાં ધાબા ઉપર પહોંચી ગઈ હતી. જ્યાં સાત નબીરા ગોળ કુંડાળુ વળી દારૂની મહેફીલ માણતા જોવા મળ્યા હતા. જેઓને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે તમામની કડકાઈથી પૂછતાંછ કરતાં સાતેય નબીરા કેપિટલ ફ્લોરા ફ્લેટ નંબર – ડી/41-42 માં સાથે જ રહેતા હોવાનું સામે આવ્યું હતું અને સાતેય જણા એપાર્ટમેન્ટનાં ધાબા ઉપર દારૂની મહેફિલ માણવા બેઠા હતા.
જેઓની પૂછતાંછમાં તેમણે પોતાના નામ નરેશ પુરનબલર રોકાયા (ઉ.વ.25, મૂળ વતન-રાવલ મહોલ્લા શેરગલી મસુરી તા.જી .દહેરાદુન ઉતરાખંડ), હર્ષ બદ્રીપ્રસાદ પુરનપ્રસાદ વર્મા (ઉ.વ.25, મૂળ વતન-રામના ટોલ સડક માઉશ્વરી નિવાસની પાસે રઘુરાજનગર, મધ્યપ્રદેશ), યશ સંજય શ્યામલાલ સચાન (ઉ.વ.25, મૂળ વતન-ડી- 232 એલ.ડી.એ કોલોની કાનપુર રોડ લખનઉ, ઉત્તરપ્રદેશ), હેમંત વૈન્કટરાવ ગણપતરાવ (ઉ.વ.24, મૂળ વતન-મ.નં.12 ઝોન-1/બી બ્રિશનગર જમશેદપુર હુલુન્ગ જી. ઇસ્ટ શિન્ગુકુમ, ઝારખંડ), કુણાલ સંજીવકુમાર રણબીરકુમાર સીંગર ઉ.વ.25, મૂળ વતન-કુસી ગામ તા. બિંધુના જી. ઓરૈયા, ઉત્તરપ્રદેશ), દિપ ભોજરામ ગંગાધરાની (ઉ.વ.25 મૂળ વતન-મ.નં.3 સા.શ્રી ડુપ્લેક્ષ ગલેલીયા વાડ ગાંધીરોડ જી-દાહોદ) તેમજ ધનરાજ અનિરુદ્ધસિંહ દિનેશસિંહ મકવાણા(ઉ.વ.23, મૂળ વતન-બ્લોક નં.93 શિવ-શકિત નંદનવન સોસાયટી એસ.ટી. નં.3 કોર્નર નાણાવટી ચોક રીયા રોડ, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું.
મોડી રાતે પોલીસ એપાર્ટમેન્ટમાં ત્રાટકી હોવાના પગલે સોસાયટીના રહીશો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બાદમાં પોલીસને સ્થળ પરથી સાત પ્લાસ્ટિકના ગ્લાસ, દારૂની ખાલી બે બોટલો સિવાય અન્ય કોઈ મુદ્દામાલ મળી નહીં આવતાં સાતેય નબીરાની દારૂ પીવા બદલ ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.