લોકસભાની ચૂંટણીને લઈ તૈયારી શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ હોય કે તોડ-જોડની રાજનીતિ આ દરમિયાન હવે ભાજપે 6 બેઠક પર નામ જાહેર થવાના બાકી છે. બીજી તરફ હવે કોંગ્રેસે 7 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ત્યારે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા મામલે શક્તિસિંહ ગોહિલે સવાલ કર્યા છે. તેમણે કહ્યું કે તેમના વતન અમરેલી લડાવવા હતા ને?
છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રની સૌથી હોટ ગણાતી રાજકોટ બેઠકને લઇને કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું છે. ત્યારે આ ગૂંચવણનો ઉકેલ લાવવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે અચાનક રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
આ દરમિયાન મીડિયા દ્વારા એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું કોંગ્રેસને રાજકોટમાં કોઈ ઉમેદવાર નથી મળતો કારણ કે સામે પરસોત્તમ રૂપાલા છે? જેના જવાબમાં તેઓએ કહ્યું કે, તેમણે ગોતી ગોતીને માથા મુક્યા હતા એ માથા કેમ ફેરવ્યા. પરશોત્તમભાઈ મારા મિત્ર છે, જો પરશોત્તમભાઈ મોટું માથું હતું તો તેમના વતન અમરેલી લડાવવા હતાને, ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું.