માણસા તાલુકાના અંબોડ મિની પાવાગઢ મંદિર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે જણાનું ડૂબી જવાથી મોત થયા છે. બે મિત્રોમાંથી એકની લાશ ગઈકાલે મળી આવી હતી જ્યારે આજે સવારે બીજા મિત્રની લાશ પણ મળી આવી છે. જ્યારે ગઈકાલે ધુળેટી નિમિત્તે સાતેક મિત્રોનું ગ્રુપ ફરતાં ફરતાં ભાટ ટોલ ટેક્ષ પાસેની નદીમાં ન્હાવા પડ્યા હતા. જે પૈકી બે મિત્રોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ બંને બનાવો અંગે સ્થાનિક પોલીસ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર જિલ્લામાં ગઈકાલે ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. પીડીપીયુ કોલેજની યુવતીએ માનસિક સંતુલન ગુમાવી દઈ ગર્લ્સ હોસ્ટેલના ટેરેસ પરથી પડતું મુકી આપઘાત કરી લીધો હતો. જ્યારે માણસા તાલુકાના ધોળાકુવા ગામના ત્રણ સગીર વયના મિત્રો પૈકી બેનાં મોત નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સગીર વયના ત્રણ મિત્રો સુનીલ ઠાકોર, સુમીત ઠાકોર તેમજ અન્ય એક મિત્ર ધુળેટીના તહેવાર નિમિત્તે બાઈક ઉપર ત્રણ સવારી મિની પાવાગઢ મંદિરે દર્શનાર્થે ગયા હતા.
બાદમાં ત્રણેય મિત્રો મંદિર પાસેના કાચા રસ્તાથી સાબરમતી નદી તરફ બાઈક લઈને ઉતર્યા હતા. જ્યાં નદીનાં કિનારે બાઈક ઊભુ રાખી ત્રણેય જણા ન્હાવા પડ્યા હતા. આ દરમ્યાન ત્રણેય મિત્રો નદીનાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે અન્ય એક મિત્ર નદીના કિનારા નજીક હોવાથી તેને સ્થાનિક એક વ્યક્તિએ બહાર કાઢી લીધો હતો. જ્યારે સુનીલ તેમજ સુમીત નદીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતાં માણસા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્કયુ ઓપરેશન શરૂ કરી દીધું હતું અને કલાકોની મહેનત પછી માણસા ફાયર બ્રિગેડના લીડ ફાયરમેન સંદીપ પારઘી સહીતની ટીમે સુનીલ ઠાકોરની લાશ બહાર કાઢી હતી. જોકે, સુમીતનો ક્યાંય પત્તો લાગ્યો હતો. આખરે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને માણસા રેસ્કયુની કામગીરી શરૂ કરી હતી. જો કે બહુ અંધારું થઈ જતાં કામગીરીને રોકી દેવાની ફરજ પડી હતી. આજે સવારે ફરીવાર ગાંધીનગર અને માણસા ફાયર બ્રિગેડની ટીમે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેનાં પગલે આજે સુમીતની પણ લાશ બહાર કાઢવામાં આવી હતી. આ બનાવના પગલે ધોળાકુવા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અન્ય એક બનાવમાં અમદાવાદથી સાતેક મિત્રોનું ગ્રુપ ધુળેટી પર્વ નિમિત્તે ગાંધીનગરની સહેલગાહે આવ્યા હતા. ગાંધીનગરના જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ સાતેય મિત્રોનું ગ્રુપ બપોરના સમયે ભાટ ટોલટેક્સ પાસેથી પસાર સાબરમતી નદીમાં ન્હાવા પડ્યા હતા. જે પૈકી હર્ષદ ચૌધરી (રહે. રિલીફ રોડ, મૂળ રહે. થરાદ)નો કાદવ કીચડનાં કારણે પગ લપસી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. જેને બચાવવા માટે હરેશ ચૌધરી (રહે. ચાંદખેડા, મૂળ રહે. થરાદ) બચાવવા લાગ્યો હતો. જો કે હર્ષદને બચાવવામાં હરેશ પણ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. જેનાં પગલે અન્ય મિત્રો પણ બંનેને બચાવવાનાં પ્રયાસો કરવા લાગ્યા હતા. પરંતુ પાંચેય મિત્રો પણ નદીમાં ડૂબવા લાગ્યા હતા. ત્યારે પાંચેય જણાએ નદીનાં ઝાડી ઝાંખરા પકડીને પોતાનો જીવ બચાવી લીધો હતો. બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી રેસ્કયુ ઓપરેશન શરૂ કર્યું હતું. જે અન્વયે હર્ષદની લાશ મળી આવી હતી.
બીજી તરફ ગાઢ અંધારું થઈ જતાં ફાયર બ્રિગેડને નદીમાં સર્ચ ઓપરેશન અટકાવી દેવું પડયું હતું. બાદમાં મોડી રાતે બહીયલનાં તરવૈયાની ટીમે નદીમાંથી હરેશની પણ લાશ બહાર કાઢી હતી. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, હર્ષદ અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જ્યારે હરેશ તેના ભાઈઓ સાથે અમદાવાદ ખાતે મોબાઇલ તેમજ મેડિકલની દુકાનો ચલાવતો હતો. ઉપરોક્ત બંને બનાવો અંગે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.