લોકસભાની ચૂંટણી આવી છે એટલે હવે માઈકના ભુગળા દિવસે પણ રોડ પર ગાજવા લાગશે અને બીજી તરફ એપ્રિલ માસમાં અનેક જયંતિમાં અને અન્ય ધર્મના તહેવારોમાં પણ શોભાયાત્રા- ઝુલુસ વિ.ના આયોજનો લગ્નના વરઘોડાથી પણ ડીજેની રમઝટ આ તમામ શોરબકોર સામે હવે ચુંટણીપંચે લાલ આંખ કરી છે.
ખાસ કરીને ધાર્મિક સહિતના આયોજનો કે રેલી-સભા અને ઝુલુસ કે પછી લગ્નના વરઘોડામાં સાઉન્ડ લીમીટ વગર ડીજે કે કોઈ પ્રકારે સંગીતની સીસ્ટમ-માઈક-લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહી અને આ માટે પોલીસને ખાસ સતા છે.
જેમાં ભારતીય ફોજદારી ધારાની કલમ 144 મુજબ કામ ચલાવી શકાય છે. હવે ડીજે સહિતની વિશાળ સાઉન્ડ સીસ્ટમમાં સાઉન્ડ લીમીટ જે કાનુની મર્યાદા છે તેનું ડિવાઈસ ફરજીયાત છે.
અમદાવાદમાં તો પોલીસ કમિશ્ર્નરે આ અંગે એક જાહેરનામુ બહાર પાડીને સાઉન્ડ સીસ્ટમ વેચનાર, ભાડે આપનાર, ખરીદનાર અને તેનો ઉપયોગ કરનાર આ તમામ સામે આ ધારા હેઠળ પગલા લેવાની જાહેરાત કરી છે.
હવે આ પ્રકારની સાઉન્ડ સીસ્ટમના ઉપયોગ માટે સાત દિવસ અગાઉ પોલીસ પાસે મંજુરી લેવી પડશે અને જે સાઉન્ડ સીસ્ટમમાં આ પ્રકારે સીસ્ટમમાં જો અવાજને કાનુની મર્યાદામાં નિયંત્રીત કરતા સાધનો ફીટ નહી હોય તો તેને મંજુરી અપાશે નહી અને આ પ્રકારે ડીજે કે અન્ય વ્યવસ્થામાં જે વાહનમાં આ પ્રકારની સાઉન્ડ લાઈટીંગ- ડિવાઈસ વગરની સાઉન્ડ સીસ્ટમ હવે તો તે સીસ્ટમની સાથે વાહન પણ જપ્ત કરાશે. અમદાવાદમાં આ પ્રકારે 12 કેસ નોંધાઈ પણ ગયા છે.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ અંગે 2019માં જ નિયમો અમલી બનાવ્યા છે. અગાઉ હાઈકોર્ટમાં આ અંગે એક જાહેર હિતની અરજી થઈ હતી જેમાં સરકારે હાઈકોર્ટમાં નિયમના અમલની ખાતરી આપી હતી. એક તબકકે ધાર્મિક આયોજનમાં આ પ્રકારની સાઉન્ડ સીસ્ટમના ઉપયોગ સામે પોલીસ આંખ આડા કાન કરે છે તે અંગે પણ હાઈકોર્ટને જાણ કરવામાં આવી હતી.
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટના આદેશની ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નિયમો જાહેર કર્યા પછી પણ તેના અમલ માટે હાઈકોર્ટમાં જવું પડે છે. આ ઉપરાંત હોસ્પીટલો, શાળાઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ, કોર્ટ વિ.ના 100 મીટરની ત્રિજયાએ આ પ્રકારના લાઉડ સ્પીકર, સાઉન્ડ સીસ્ટમના ઉપયોગ પ્રતિબંધીત છે તથા તેમાં સાયલન્ટ ઝોન તરીકે જાહેર થયેલા ક્ષેત્રો પણ આવી જાય છે પણ તેનો ભાગ્યે જ અમલ થાય છે.
સરકારે દાવો કર્યો છે કે અવાજનું પ્રદુષણ આપવા તેના દ્વારા 53 ડીજીટલ સાઉન્ડ લેવલ મીટર ખરીદવામાં આવ્યા છે અને તે પોલીસ વિભાગને આ પ્રકારના પ્રદુષણ નિયંત્રણ માટે સુપ્રત થયા છે પણ તેનો ઉપયોગ થાય છે કે કેમ તે પ્રશ્ન છે.