લોકસભાની ચૂંટણી પગલે રાજકિય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં ગાંધીનગર લોકસભા વિસ્તારના કલોલ શહેરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોસાયટીઓના પ્રમુખ સેક્રેટરી તેમજ સામાજિક આગેવાનો સાથેના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંજના સુમારે પ્રથમ કલોલ હાઈવે પર આવેલ અંબિકા સોસાયટી વિભાગ 2 માં તેમણે પંચવટી સહિત શહેરની વિવિધ 300 જેટલી સોસાયટીઓના પ્રમુખ સેક્રેટરી સહિત આગેવાનોને સંબોધન કર્યું હતું. અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહને મોટી બહુમતીથી વિજય બનાવવા હાકલ કરી હતી. ત્યાર બાદ રેલ્વે પુર્વમાં શ્રેયસ સોસાયટી પાસે આવેલ જેકે પાર્ટી પ્લોટમાં પણ 250થી વધુ સોસાયટીના પ્રમુખ સેક્રેટરી સહિત આગેવાનો ને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી (બકાજી) ઠાકોર, કલોલ ના ચુંટણી ઈન્ચાર્જ ગોવિંદભાઈ પટેલ, પાલીકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, તેમજ ડો ઋત્વિજ પટેલ પુર્વ ધારાસભ્ય અતુલભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સીએમ ભૂપેન્દ્ર પટેલે સોસાયટીના રહીશોને સોલર પેનલ લગાવવા અને સરકારી સબસિડીનો લાભ લઈ કુદરતી વિજળી ઉત્પન્ન કરવા માટે અપીલ કરી હતી. પાણીની બચતના ભાગરૂપે પાણીના મીટર લગાવવા પણ તેમણે હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે વિકાસ કામો માટે નાણાની કોઇ અછત નથી. 1995 પહેલા રાજ્યનું બજેટ 10,000 કરોડનું હતું, જ્યારે આજે બે દાયકામાં 3.32 લાખ કરોડ થવા પામ્યું છે. ચૂંટણી વખતે વેકેશન હોવાથી જેમણે મતદાનની તારીખો દરમિયાન પ્રવાસનું આયોજન કર્યું છે તેમને તારીખો બદલવા પણ સીએમએ અપીલ કરી હતી.