અમારી સવારી સલામતીની સવારીના સૂત્રને ઘોળીને પી ગયેલા રિક્ષા ચાલકો અને સ્કૂલ વાન ચાલકોની જોખમી સવારીને ખુલ્લી પાડતો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે માતા-પિતા એવું સમજી બાળકને ઘરે પરત આવવાની રાહ જોઇ રહ્યાં હોય છે, તેમના માટે આ ચેતવણરૂપ વીડિયો સામે આવ્યો છે. જ્યાં એક રિક્ષામા ક્ષમતા કરતા પણ અતિ વધારે સ્કૂલના બાળકોને લઇ જવાતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની સલામતી માટે અનેકો કાર્યક્રમ યોજી ટ્રાફિક નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. છતાંય જો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો ટ્રોફિક પોલીસ દ્વારા તેવા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે.
શહેરમાં ઠેર ઠેર લાગેલા સીસીટીવી કેમેરામાં કદાચ રિક્ષા ચાલકો અને સ્કૂલ વાન ચાલકોની આવી જોખમી સવારી કેદ ન થતી હોય તેવું લાગી રહ્યું છે. માત્ર સીટ બેલ્ટ, ઓવર સ્પીડીંગ અને સીગ્નલ બ્રેક કરતા વાહન ચાલકો જ સીસીટીવીમાં કેદ થતાં તેમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે.
મોટા ભાગે આપણે સીગ્નલ પર ઉભા હોય ત્યારે જોયું હશે કે, કેટલાક રિક્ષા ચાલકો ટ્રાફિક સીગ્નલનો ઉલ્લંઘન કરી નિકળી જતા હોય છે, તો શું આવા રિક્ષા ચાલકો પોલીસના સીસીટીવીમાં કેદ થાય છે ખરા ?
ભલે પોલીસના સીસીટીવી કેમેરામાં રિક્ષા ચાલકોની જોખમી સવારી કેદ ન થતી હોય પરંતુ હાલ સોશિયલ મીડિયામાં સ્કૂલના બાળકોને જોખમી રીતે રિક્ષામાં સવારી કરાવતો એક વીડિયો વાયરલ થયો છે. કહેવાય છે કે, આ વીડિયો શહેરના તાંદલજા વિસ્તારનો છે.