રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિના મામલામાં મની લોન્ડરિંગ કેસમાં 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. EDએ કહ્યું કે કેજરીવાલ અમને સહકાર નથી આપી રહ્યા. તેઓ અમને ગેરમાર્ગે દોરે છે. કસ્ટડી લંબાવ્યા બાદ કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તાએ કોર્ટને જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલને જેલમાં 3 પુસ્તકો આપવામાં આવે – ગીતા, રામાયણ અને નીરજા ચૌધરીની પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડીસાઈડ.
EDએ સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં કાવેરી બાવેજાની કોર્ટમાં રજૂ કર્યા, જેઓ દારૂ નીતિ કેસમાં 21 માર્ચથી જેલમાં છે. ED વતી એએસજી રાજુ અને કેજરીવાલ વતી રમેશ ગુપ્તા હાજર થયા હતા. સુનાવણી દરમિયાન કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, દિલ્હીના મંત્રી આતિશી, ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજ પણ કોર્ટમાં હાજર હતા.
ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલે પૂછપરછ દરમિયાન આતિશી માર્લેનાનું નામ લીધું હતું. જ્યારે EDએ વિજય નાયર વિશે સવાલ પૂછ્યા ત્યારે કેજરીવાલે કહ્યું કે નાયર મને નહીં પણ આતિશીને રિપોર્ટ કરતો હતો. વાસ્તવમાં, ઇડીએ આરોપ લગાવ્યો છે કે અરવિંદ કેજરીવાલ રૂ. 100 કરોડના લિકર પોલિસી કૌભાંડમાં અગ્રેસર છે અને તેની સીધી સંડોવણી છે.
ED કેસ અનુસાર, દારૂની નીતિનો અમલ એક ષડયંત્રનો ભાગ હતો જેના દ્વારા કેટલીક ખાનગી કંપનીઓને સમગ્ર નફાના 12% આપવામાં આવ્યા હતા. મંત્રીઓના જૂથની બેઠકમાં આ વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. EDએ દાવો કર્યો હતો કે આ સમગ્ર ષડયંત્ર વિજય નાયર અને અન્ય કેટલાક લોકોએ સાઉથ ગ્રૂપ સાથે મળીને આચર્યું હતું. તેના દ્વારા જથ્થાબંધ વેપારીઓને ‘અસાધારણ નફો’ આપવામાં આવતો હતો. EDએ કહ્યું કે વિજય નાયર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા માટે કામ કરતો હતો.
21 માર્ચે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. તેને 22 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી એટલે કે 7 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. આ પછી 28 માર્ચે થયેલી સુનાવણીમાં કોર્ટે તેને 1 એપ્રિલ સુધીના રિમાન્ડ પર મોકલી દીધો હતો. આજે તેને 15મી એપ્રિલ એટલે કે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.