રાજપૂતોના વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલા નહિ જ બદલાય તેવુ આખરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પરસોત્તમ રૂપાલાએ કહી દીધું છે. ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહેલા ગુજરાત ભાજપે હાલ ગાંધીનગરમાં રાજપૂત આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેના બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને સીઆર પાટીલે કહ્યું કે, ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ. તેમણે ત્રણેકવાર માફી માંગી છે. તેમજ પાટીલે અંતે એમ પણ કહ્યું કે, રાજકોટમાં ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી. પ્રેસ કોન્ફરન્સમાં સીઆર પાટીલે કહ્યુ હતું કે, છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ માટે એક ટિપ્પણીને કારણે સમાજ રોષ ફેલાયો હતો. જેમાં રૂપાલાજીએ ત્રણેક વખત માફી માંગી હતી. હજી પણ સમાજનો રોષ ઓછો થતો નથી. આજે ભાજપે રાજપૂતના સમાજના આગેવાનોની હાજરીમાં, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમે બેઠક કરી હતી. કોઈ પણ સમાજનો રોષ હોય એ સ્વભાવિક છે. પરંતુ હવે માફી માંગી લીધી છે. તેથી ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને માફ કરે. આ સાથે તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજના સંકલન સમિતિનો સંપર્ક કરવામાં આવશે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિને આવતીકાલે ત્રણ વાગ્યે મળશે. ધીમે ધીમે વાતાવરણ થાળે પડે એ માટેના પ્રયત્ન કરવામાં આવશે. ક્ષત્રિય સમાજને મારી પણ વિનંતી છે કે ભૂલ માટે માફી પણ માંગવામાં આવી છે તો પાર્ટીની સાથે જોડાઈ એવી વિનંતી. અમદાવાદ ગોતા વિસ્તારમાં આવતીકાલે સંકલન સમિતિની ત્રણ વાગે બેઠક મળશે. પાટીલે કહ્યું કે, રાજકોટમાં રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી. અમે સમાજના રોષ વિશે સાંભળીશું. વાતાવરણ સરળ બને તેવા પ્રયાસ કરીશું. અમારી આજે અઢી ત્રણ કલાક જેટલી મીટિંગ ચાલી હતી. જવાબદારી નક્કી કરાઈ છે. જલ્દીથી આ વિવાદનો નિવેડો આવે તેવો પ્રયાસ કરીશું. સમાજને વિનંતી છે કે, ભૂલ થઈ છે, માફી મંગાઈ છે, પણ સમાજ પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે જોડાય. ક્ષત્રિય સમાજ વર્ષોથી પાર્ટી સાથે રહ્યો છે.