ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ સમીકરણો બદલાઈ રહ્યાં છે. હાલમાં ભાજપ રૂપાલાના વિવાદમાં લોકસભાની સીટોમાં ચાલતા અંદરો અંદરના ગજગ્રાહને સેટ કરી રહી છે. રૂપાલા વિવાદ એટલો વધી ગયો છે કે હવે ક્ષત્રિયો આર યા પારની લડાઈ લડી રહ્યાં છે. ભાજપ પણ સારી રીતે જાણે છે કે આ વિવાદને પગલે ભાજપનો આંતરિક વિરોધ શમવાની સાથે લેઉવા અને કડવા પાટીદારો એક થયા છે. જેનો સીધો ફાયદો ભાજપે ઉઠાવી લીધો છે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવા માટે હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષના આકરા તેવર જોવા મળી રહ્યાં છે. ગાંધીનગરમાં ધારાસભ્યોને બોલાવેલી બેઠકમાં પાટીલે સ્પષ્ટ સૂચના આપી હતી કે અત્યારથી કહીં દેજો જો પછી પોણા પાંચ લાખની લીડ આવી તો પણ નહીં ચલાવી લઉં… આ બેઠકમાં હાજર ગુજરાતના 100 ધારાસભ્યોએ ફક્ત ચૂપકીદી સેવી લીધી હતી. કોઈએ આ મામલે અવાજ ઉઠાવવાની હિંમત કરી નહોતી, હવે ગઈકાલે કચ્છમાં આ જ સ્ટાઈલમાં ફરી ચીમકી આપી છે કે જો કોઈ ધારાસભ્યનું બુથ માઈનસ થયું તો ફરી ટિકિટ ભૂલી જજો. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપે 156 ધારાસભ્યોને અને આયાતી કોંગ્રેસીઓને સ્પષ્ટ આદેશ કર્યો છે કે એક પણ મતદાન કેન્દ્ર માઈનસ ન થવું જોઈએ. ભાજપે આ લોકસભામાં 5 લાખની લીડથી જીતવું હોય તો તમામ બુથો પર લીડ મેળવવી એ જરૂરી છે. ભાજપ સારી રીતે જાણે છે કે ગુજરાતમાં 15 હજાર બુથો માઈનસમાં ચાલે છે. સીઆર પાટીલને ટેન્શન છે કે આ બુથો માઈનસ રહ્યાં તો ભાજપના મિશનને ઝટકો પડશે એટલે આ બુથોને પ્લસ કરવાની જવાબદારી સીધી ધારાસભ્યો પર ઢોળી દીધી છે. ટિકિટ કાપવાની ચીમકી આપતાં દરેક ધારાસભ્યે પોતાના વિસ્તારમાં એક પણ બુથ માઈનસમાં ન જાય એની ચિંતા કરવી પડશે. ભાજપના વર્તુળોના જણાવ્યા મુજબ રાજ્યના કુલ બાવન હજાર જેટલા બુથ પૈકી ૨૦૨૨ની ધારાસભ્યની ચૂંટણીમાં ૧૫ હજાર જેટલા બુથ પર ભાજપ માઇનસમાં હતો. ઉપરાંત ૩૫૦૦ બુથ પાતળી બહુમતીવાળા હતા. પાતળી બહુમતીવાળા બુથમાં મજબુતાઇ વધારવા અને ખાધવાળા બુથમાં ખાદ્યમાંથી બહાર આવવા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. નબળા ૧૫ હજાર બુથ પૈકી ૩૫૦૦ બુથમાં લઘુમતી મતદારો નિર્ણાયક છે. ત્યાં સ્થિતિ સુધારવી ભાજપ માટે કપરૂ કામ છે. બાકીના નબળા બુથને અલગ તારવી કારણ સાથે તારણ કાઢવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભાજપે લોકસભાની ચૂંટણી પહેલાં આ બુથોને પ્લસ કરવા ઓપરેશન લોટસ ચલાવ્યું છે અને કોંગ્રેસી કદાવર નેતાઓને ભાજપમાં સામેલ કર્યા છે. ભાજપના માઈક્રો મેનેજમેન્ટથી ભાજપ આ બુથોમાં પ્લસ થવાની આશા રાખી રહ્યું છે. હવે આગામી સમય જ બતાવશે કે ભાજપને ફાયદો થયો છેકે નુક્સાન. ગુજરાતમાં કોંગ્રેસને સિંગલ ડિજિટ પર મોકલી દઈ લોકસભામાં જીતની હેટ્રિક ફટકારવાના સપનાં જોતી ભાજપે 5 લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક મૂક્યો છે. ભાજપે ઓપરેશન લોટસ શરૂ કરીને આ ટાર્ગેટની આડે આવતા નેતાઓને ભાજપનો કેસરિયો પહેરાવી લક્ષ્યાંકને પૂરો કરવા માટે કમરકસી છે. ગુજરાતમાં લોકસભાની તૈયારીઓ માટે પણ ભાજપે કમરકસી છે. સીઆર પાટીલ છેલ્લી બે ચૂંટણી 5 લાખની લીડથી જીત્યા છે. એટલે મેં તો કરી દેખાડ્યું હવે તમારો વારો છે એમ જણાવી ભાજપ સામે ઉંચો ટાર્ગેટ મૂકતાં ભાજપના નેતાઓ પણ મૂંઝાઈ ગયા છે. ગત વખતે પણ ભાજપે ભારે માર્જીનથી બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો . ભાજપની લહેર હોવા છતાં ગુજરાતમાં દસેક બેઠકો એવી હતી જ્યાં બે લાખની આસપાસ જ લીડ મળી રહી હતી. ભાજપ માત્ર સુરત, નવસારી, ગાંધીનગર અને વડોદરા એમ ચાર બેઠકો જ પાંચ લાખથી વધુના માર્જીનથી જીતી શકી હતી. નવસારી બેઠક પર સી.આર.પાટીલ 6.89 લાખ, વડોદરા બેઠક પરથી રંજન ભટ્ટ 5.89 લાખ, ગાંધીનગર બેઠક પર અમિત શાહ 5.57 લાખ અને સુરત બેઠક પર દર્શના જરદોશ 5.48 લાખના મતની લીડથી વિજયી થયા હતાં. હાલમાં 5 લાખની લીડનો ટાર્ગેટ એ ભાજપનો નહીં પણ સીઆર પાટીલનો છે. એ સૌ કોઈ જાણે છે. પાટીલ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતીને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનવાના સપનાં જોઈ રહ્યાં છે. સ્થિતિ એવી છે કે, હાલમાં ગુજરાતમાંથી 4 કેબિનેટ મંત્રી છે. જેમાંથી એકનું પત્તું કપાશે. ગાંધીનગરથી અમિત શાહ, રાજસભાથી જયશંકર, મનસુખ માંડવિયા અને રૂપાલા એ કેબિનેટ મંત્રી છે. હવે રૂપાલાના વિવાદ વચ્ચે રૂપાલા કપાય તો પાટીલને કેબિનેટનો સીધો લાભ મળી શકે છે.