ગાંધીનગર, સુરત, અમદાવાદ સહિતનાં શહેરોમાં નાગા બાવાનો વેશ ધારણ કરી લોકોને હીપનોટાઇઝ કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિતની કિંમતી ચીજો પડાવી લેનાર નાસતા ફરતા રીઢા આરોપીને દહેગામ પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાં વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ મથકોમાં 23 ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
લોકસભા ચુંટણી અન્વયે મિલ્કત સંબંધી ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત તેમજ અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસ મથકની હદ વિસ્તારમાં નાગાબાવાનો વેશધારણ કરી એકલદોકલ લોકોને હીપનોટાઇઝ કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહીતની કિંમતી ચીજ વસ્તુઓ પડાવી લેવા સબબ દહેગામના રાજ ઉર્ફે વનરાજ ઉર્ફે વનીયો કંચનનાથ મદારી વિરુદ્ધ વર્ષ 2023 દરમ્યાન ગુનો નોંધવામાં આવ્યો હતો.
જો કે છેલ્લા ઘણા વખતથી રાજ મદારી સુરત અને અમદાવાદ પોલીસને હાથતાળી આપીને નાસતો ફરતો હતો. ત્યારે દહેગામ પોલીસ મથકના પીઆઈ બી બી ગોયલની ટીમને બાતમી મળી હતી કે, નાગાબાવાનો વેશધારણ કરી રાજ મદારીએ સુરત તેમજ અમદાવાદ વિસ્તારમાં પણ ગુના આચરેલ છે. જે ગુનામાં રાજ મદારી પોલીસ ચોપડે વોન્ટેડ છે. અને દહેગામના ગણેશપુરા મદારી નગર ખાતે રહે છે.
જે હકીકતના આધારે દહેગામ પોલીસે રીઢા વોન્ટેડ આરોપી રાજ મદારીને દહેગામ જીઈબી પાસેના વડ પાસેથી આબાદ રીતે ઝડપી પાડયો છે. જેનાં ગુનાહિત ઈતિહાસ તપાસતા રાજ ઉર્ફે વનરાજ ઉર્ફે વનીયો કંચનનાથ મદારીએ સુરત તેમજ સોલા હાઈકોર્ટ પોલીસ મથક સિવાય દહેગામ સહીતના અલગ અલગ 23 પોલીસ મથકની હદ વિસ્તારમાં ઉક્ત મોડસ ઓપરેન્ડીથી ગુના આચર્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેનાં પગલે દહેગામ પોલીસે રીઢા આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.