સરકારી આવાસ મેળવવા માટે 5500થી વધુ કર્મચારીઓ
વેઈટીંગમાં બેઠાં છે, ત્યારે અંદાજીત 2 માસ કરતાં વધુ
સમયથી બની ચૂકેલા 560 જેટલાં આવાસોની ફાળવણી
અટકી પડેલી હોવાના કારણે કર્મચારીઓમાં રોષ જોવાં
મળ્યો છે. સેક્ટર 6 અને 29માં બનાવવામાં આવેલાં છ અને
સી ટાઈપના કુલ 560 જેટલાં આવાસોનું નિર્માણ થઈ ગયાં
બાદ પણ કેમ ફાળવણી કરવામાં નથી આવતી આ મુદ્દો
કર્મચારીઓમાં પણ લાંબા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે.
અગાઉ ફેબ્રુઆરીના અંત સુધીમાં આવાસની ફાળવણી કરી
દેવા માટે તંત્રે તૈયારી બતાવેલી, પરંતુ વહીવટી કારણોસર
ફાળવણી અચકી પડી હતી. એપ્રિલના 2જા સપ્તાહ સુધીમાં
ફાળવણી કરવાનું તંત્રે આયોજન કર્યું છે. જોવું રહ્યું કે ખાલી
પડેલાં આવાસોની ફાળવણી કરી દેવાશે કે, અગાઉની જેમ
જ ફરી એક વખત તંત્ર ખો અપાશે.
ગાંધીનગરમાં ભયજનક આવાસો અને વેઈટીંગમાં રહેલાં કર્મચારીઓ આ બંન્ને મુદ્દા ઉકળતાં ચરૂ જેવાં સાબિત થયાં છે. સરકારી કર્મચારીઓને આવાસ ફાળવવા માટે તંત્ર ભયજનક આવાસોને જમીનદોસ્ત કરીને નવા આવાસો બાંધી રહ્યું છે. પરંતુ આવાસ નિર્માણ કર્યાં પછી પણ ફાળવણીમાં તંત્રની ઢીલાશ હોવાથી કર્મચારીઓને તો આવાસ વગર જ રહેવાનો વારો આવે છે.
આ કારણોસર કર્મચારીઓ પણ રોષે ભરાયેલાં છે. 560 જેટલાં આવાસની ફાળવણી કરવામાં આવે તો વેઈટીંગના કિસ્સામાં ઘટાડો થઈ શકે છે, આ ઉપરાંત નવા આવાસો ન ફાળવવાને કારણે ભયજનક આવાસોમાં રહેતાં કર્મચારીઓ દ્વારા જૂના આવાસો ખાલી કરવામાં નથી આવતાં, જેથી કરીને આવાસો ખાલી કરાવવા સહિત તોડીને નવા બનાવવાની કામગીરીને પણ અસર પહોંચતી જોવાં મળે છે. વર્તમાન સ્થિતિએ તંત્રે એપ્રિલ 2 જા સપ્તાહ સુધીમાં ફાળવણી કરી લેવાનું આયોજન કર્યું છે.
હાલમાં તંત્ર દ્વારા તમામ સરકારી આવાસોનો સ્ટ્રક્ચરલ સરવે હાથ ધરવામાં આવ્યો છે. જેને લઈને આગામી દિવસોમાં ભયજનક આવાસોની સંખ્યામાં પણ વધારો નોંધાવાની શક્યતાં છે. આ કિસ્સામાં તૈયાર કરી દેવાયેલાં નવા આવાસોની ફાળવણી સત્વરે કરવામાં ન આવે તો, વેઈટીંગનો આંકડો હજુ પણ વધવાની સંભાવના રહેશે. ઉપરાંત નવા આવાસોની ફાળવણી વેકેશનના સમયમાં કરી દેવામાં આવે તો કર્મચારીઓને સ્થળાંતરણ કરવામાં સરળતાં રહેશે.