સંદેશખાલી મુદ્દે કલકત્તા હાઈ કોર્ટે મમતા સરકારને ઝાટકી કહ્યું, પીડિતોની વાત એક ટકો સાચી હોય તો પણ આ અત્યંત શરમજનક બાબત છે

Spread the love

કલકત્તા હાઈ કોર્ટે સંદેશખાલી કેસના મામલે પશ્ચિમ બંગાળની સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે જો પીડિતોની વાત એક ટકો સાચી હોય તો પણ આ અત્યંત શરમજનક બાબત છે. હાઈ કોર્ટે ગુરુવારે સંદેશખાલીમાં મહિલાઓનું જાતીય શોષણ, બળજબરીથી વસૂલી અને લૅન્ડ ગ્રૅબિંગના આરોપોની તપાસ કરવાની માગણી કરતા ઍફિડેવિટ પર સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસની ડિવિઝન બેન્ચે મમતા બૅનરજી સરકાર પર પસ્તાળ પાડતાં કહ્યું હતું કે ‘જો એક ઍફિડેવિટ સાચું હોય કે આમાં એક ટકા સત્ય હોય તો પણ એ શરમજનક કહેવાય.

વેસ્ટ બેન્ગૉલ કહે છે કે એ મહિલાઓ માટે સુરક્ષિત છે? નાગરિકોની સુરક્ષા એ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષની ૧૦૦ ટકા નૈતિક જવાબદારી છે.’

કોર્ટે આરોપી શેખ શાહજહાંનું પ્રતિનિધિત્વ કરતા વકીલને પણ ફટકાર લગાવતાં કહ્યું હતું કે ‘શાહજહાં ૫૫ દિવસથી ફરાર હતા અને સંતાકૂકડી રમતા હતા. તમે તમારી આંખો બંધ કરી દો એટલે કંઈ વિશ્વ અંધકારમય નથી બની જતું.’ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. નોંધનીય છે કે લગભગ બે મહિનાથી ફરાર તત્કાલીન તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા શેખ શાહજહાંની ૨૯ ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *