જુહાપુરાનો ધોરણ 10 પાસ યુવક ફાંકડું અંગ્રેજી બોલી અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી ઠગતો હતો. પોલીસે બાતમીને આધારે તેને ઝડપી પાડ્યો હતો.
ધોરણ 10 સુધી ભણેલો સોહિલ પરવેઝ રાશિદ પરવેઝ શેખ (ઉં. 27) અમેરિકાના લોકો સાથે ફોન પર ‘મે આઈ હેલ્પ યુ’ અને ‘વોટ કેન આઈ ડુ ફોર યુ’ તેવી વાત કરીને લોન લેવા માટે તૈયાર કરતો હતો. બેંકનો લોનનો નકલી અપ્રૂવલ લેટર બતાવીને કમિશન પેટે ગિફ્ટ વાઉચરથી ડોલરમાં પૈસા પણ લેતો હતો. આ યુવક તેના ઘરમાં જ રાતે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કોલ સેન્ટર ચલાવતો હતો. તે રોજ રાતે 30 લોકો સાથે વાત કરતો હતો.
પોલીસે રેડ પાડી ત્યારે સોહિલ અમેરિકી નાગરિક સાથે જ વાત કરી રહ્યો હતો. તેની પાસેથી લેપટોપ, 3 ફોન મળ્યા હતા. પૂછપરછમાં સોહિલે જણાવ્યું હતું કે, તે અગાઉ રખિયાલમાં કોલ સેન્ટર ચલાવતો હતો ત્યારે હબીબ શેખ નામની વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ હબીબ દિલ્હી જતો રહ્યો હતો અને ત્યાંથી કોલ સેન્ટર ચલાવતો હતો. હબીબ જે એપ આપે તેમાં 150થી 200 અમેરિકીના ડેટા રહેતો હતો.