ગાંધીનગરના સેકટર – 27 માં રહેતા શખ્સે પિતાને સહકારી મંડળીમાં પૈસા ભરવાની જરૂરિયાત ઊભી થતાં પંદરેક વર્ષ જુના મિત્ર પાસેથી 8 લાખ 85 હજાર હાથ ઉછીના લીધા હતા. જેની અવેજીમાં આપેલો ચેક રીટર્ન થવાના કેસમાં ગાંધીનગરનાં સાતમા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટનાં જજ આર વી લીંબાચીયાએ આરોપીને તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના સેકટર – 24 હરસિદ્ધ નગર ખાતે રહેતા ચિંતનભાઈ કલ્પેશભાઈએ ગાંધીનગર કોર્ટમાં નેગોશીયેલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, મૂળ રાંધેજાનાં વતની સેકટર – 27 ખાતે રહેતા સંદીપગીરી બાબુગીરી ગોસ્વામી સાથે પંદરેક વર્ષથી મિત્રતાના સંબંધો હતા. આ સંદીપગીરીનાં પિતાને સહકારી મંડળીમાં પૈસા ભરવાના હોવાથી પૈસાની જરૂરિયાત હતી.
જેનાં પગલે સંદીપગીરીએ ચિંતનભાઈ પાસે રૂ. 8 લાખ 85 હજારની માંગણી કરી કરી હતી. બંને એકબીજાને લાંબા સમયથી ઓળખતા હોવાથી ચિંતનભાઈએ મિત્રતાના નાતે સંદીપગીરીને બે વર્ષના વાયદાથી હાથ ઉછીના પૈસા આપ્યા હતા. પરંતુ નિયત સમય મર્યાદા વીતી ગઈ હોવા છતાં સંદીપગીરીએ પૈસા પરત કર્યા હતા. જેની વારંવાર ઉઘરાણી કરતા સંદીપગીરીએ રોકડાની જગ્યાએ ચેક લખી આપ્યો હતો.
જે ચેક ચિંતનભાઈએ બેંકમાં જમા કરાવ્યો હતો. પરંતુ ચેક અપૂરતા બેલેન્સના કારણે રિટર્ન થયો હતો. બાદમાં તેમણે પૈસાની ઉઘરાણી કરતા સંદીપગીરીનાં પિતાએ પણ ટેલીફોનીક ધમકીઓ આપી હતી. જે મામલે જેતે સમયે સેકટર – 21 પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. બાદમાં ચિંતનભાઈએ વકીલ મારફતે ગાંધીનગર કોર્ટમાં ચેક રીટર્નની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ગાંધીનગરનાં સાતમા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટનાં જજ આર વી લીંબાચીયાની કોર્ટમાં ચાલી જતાં બન્ને પક્ષોની દલીલોનાં અંતે કોર્ટે સંદીપગીરી ગોસ્વામીને તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.