દયાલપુર ગામ પાસે ચંદીગઢ રોડ મેઈન હાઈવે પર ગઈકાલે મોડીરાત્રે લગભગ 1 વાગ્યે સ્કોર્પિયો ગાડીની ટકકરથી ફોર્ચ્યુનર ગાડીને આગ લાગતા આ ગાડીમાં સવાર લુધિયાણાના પુર્વના એસીપી સંદીપસિંહ અને તેના ગનમેન પ્રભજોતસિંહ જીવતા ભડથુ થઈ ગયા હતા.
ગાડીનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જાણ થતા સમરાલા પોલીસના ઉચ્ચ અધિકારી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
તપાસ બાદ બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ જયારે એસીપી અને તેના ગનમેન પોતાના ફોર્ચ્યુનર કારમાં જઈ રહ્યા હતા ત્યારે દયાલપુર ગામ પાસે હાઈવે પર એક પુરઝડપે આવતી સ્કોર્પિયો કારે તેમની ગાડીને ઓવરટેક કર્યો હતો.
તે બેકાબૂ થઈ એસીપીની ગાડી સાથે ટકરાતા ફોર્ચ્યુનર બેકાબુ બની ગઈ હતી અને તેમાં આગ ભભુકી હતી. અકસ્માત સમયે કારનો દરવાજો પણ નહોતો ખુલ્યો અને ત્યાં સુધીમાં તો બન્ને ભડથુ થઈ ગયા હતા જયારે ડ્રાઈવર ઘાયલ થયો હતો.