ગાંધીનગરમાં ક્રિકેટ સટ્ટાના રસિયાઓને આઇપીએલ લાઈવ મેચનો સેશન વાઇઝ કટ્ટીંગ લઈ સટ્ટો રમાડતાં છાલા ગામના બુકીને ચીલોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ 11 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસને જોઈને સાતીર બુકીએ મોબાઇલ ફોન પછાડીને તોડી નાખ્યો હતો. જો કે તેની પાસેથી મળી આવેલી એક ડાયરી મોટા ગજાના બુકીઓનાં નામ પોલીસ તપાસમાં બહાર આવે તેવી શકયતા વર્તાઈ રહી છે.
આઇપીએલ ક્રિકેટ મેચનો લાઈવ સટ્ટો રમવાનું ગાંધીનગરમાં ચલણ વધતું જઈ રહ્યું છે. ત્યારે ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ઈસમોને ઝડપી પાડવા માટે પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ તાબાનાં અધિકારીઓને ખાસ તાકીદ કરવામાં આવી છે. જે અન્વયે ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ.એસ. અસારીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમ્યાન બાતમી મળી હતી કે, છાલા ગામે રહેતો સમી૨ કાઝી નામનો ઇસમ પોતાનાં મોબાઇલ ફોનથી અલગ અલગ ઇસમોને ક્રિકેટ સટ્ટો રમાડે છે. અને હાલમાં છાલા બ્રિજ પાસે આવેલ માતેશ્વરી પાન પાર્લર ખાતે બેઠો છે.
જે બાતમીના આધારે પોલીસ ટીમ ખાનગી વાહનમાં બેસી હીમતનગરથી ચિલોડા તરફના છાલા ખાતેના બ્રીજ ખાતે જઈ તપાસ કરતા સમીર સૌકતઅલી કાઝી (ઉ.વ.30, ૨હે-તળપોદ કસ્બા, છાલા) હાજર મળી આવ્યો હતો. જો કે પોલીસ પોતાની નજીક આવી રહી હોવાનું જોઈને સમીરે ફિલ્મી સ્ટાઈલમાં પોતાનો એક મોબાઈલ ફોન જોરથી પછાડીને તોડી નાખ્યો હતો. બાદમાં પોલીસે સમીરને કોર્ડન કરીને દબોચી લઈ તૂટેલો મોબાઇલ ચેક કરતાં સ્ક્રીન તૂટી ગયેલી હતી. જ્યારે તેની પાસેથી 11 હજાર 250 રોકડા તેમજ એક ડાયરી મળી આવી હતી. જેમાં અંગ્રેજીમાં ચેન્નઈ સુપર કિંગ વી. હૈદ્રાબાદનું હેડીંગ લખી નીચે હિસાબો સહિતનું લખાણ જોવા મળ્યું હતું. જેની પુછપરછમાં અલગ-અલગ ગ્રાહકો પાસેથી મોબાઇલ ફોન મારફતે સેશન વાઇઝ કટ્ટીંગ લઇ હારજીતનો સટ્ટો રમાડતો હોવાની કબૂલાત કરી હતી. જેનાં પગલે પોલીસે તૂટેલો મોબાઇલ ફોન તેમજ ડાયરી જપ્ત કરી સમીરની ધરપકડ કરી લીધી હતી. ત્યારે આગામી દિવસોમાં સમીર કાઝીની ડાયરી તેમજ મોબાઈલના સીડીઆર મોટા ગજાના બુકીઓનાં નામ ખૂલે તો નવાઈ નહીં.