ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરીમા સંસ્થા દ્વારા ગટર સફાઈ કામદારોના અપમૃત્યુ અને તેમને ચૂકવવાના થતાં વળતરને લઈને જાહેર હિતની અરજી કરી હતી. ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ આ મુદ્દે સુનાવણી ચાલી રહી છે.
ભાવનગરના સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં સ્પેટિક ટેંકમાં બચી ગયેલા કામદાર પર ફરિયાદ નોંધાઈ છે. જેમાં હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે, કામદાર સામે શા માટે FIR કરવામાં આવી છે? કામદાર તો પોતાના પરિવારનું પેટ ભરવા નાછૂટકે આવા કામ કરતા હોય છે.
અગાઉ અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે, હાઈકોર્ટ સમક્ષ
કુલ 167 ગટર સફાઈ કામદારોના અપમૃત્યુનું લિસ્ટ મૂકાયું
હતું. જેમાંથી 16 મૃતકોના પરિવારજનોને વળતર ચુકવવાનું
બાકી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ વળતર ચુકવવાનું
થાય છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ
ગટર સફાઈ કામદારોના અપમૃત્યુના કિસ્સામાં 10 લાખથી
લઈને 30 લાખ જેટલું વળતર ચૂકવવું પડે છે. જે પહેલા 10
લાખ હતું, હવે ગંભીર રીતે ઘાયલ કામદારને પણ 10 લાખ
રૂપિયા વળતર ચૂકવવું પડે છે.
અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી દ્વારા કોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે 16માંથી 5 મૃતકોના પરિજનોને વળતર ચૂકવાઇ ગયું છે. પરંતુ 11 મૃતકોના પરિજનોની માહિતી મળી નથી. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે મૃતક નગરપાલિકા કે મહાનગરપાલિકાના કર્મચારી હોય ત્યારે તેનું એડ્રેસ અને તેના પરિવારજનોનું નામ તેમની પાસે હોય જ. કોર્ટને જાણીને આશ્ચર્ય લાગ્યું હતું કે, વળતર મેળવવા માટે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા વર્તમાન પત્રોમાં સંપર્ક કરવા જાહેર નોટિસ આપવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે, વળતર આપવાની આ પદ્ધતિ યોગ્ય નથી. આ પદ્ધતિ સાથે કોર્ટ સહમત નથી. આ મૃતકોના પરિજનો સુધી પહોંચવા અરજદાર સરકારને મદદ કરશે.
અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, એક મૃતકના પરિજનોને વળતર આપવા માટે ઇનકાર કરવામાં આવ્યો છે. જેના કારણમાં દર્શાવાયું છે કે, તેનું મૃત્યુ ગૂંગળામણથી નહીં, પરંતુ માટીનો ઢગલો ધસી પડવાથી થયું છે. જો કે, કોર્ટે આવી દુર્ઘટનામાં મૃત્યુનું કારણ નહીં જોઈને વળતર આપવા હુકમ કરેલો છે. વર્ષ 2001ની આ આણંદની આ ઘટના અંગે આણંદ મહાનગરપાલિકાને એફિડેવિટ ફાઇલ કરવા કોર્ટે હુકમ કર્યો હતો. તેમાં આણંદ નગરપાલિકા જણાવ્યું હતું કે, કામદારનું મોત ગટર સફાઈને લઈને નહીં પરંતુ નવી સુએજ લાઈન નાખતી વખતે થયું હતું. કોન્ટ્રાક્ટરે તેના પરિવારને 1.85 લાખ રૂપિયા આપ્યા હતા. જેથી કોર્ટે કહ્યું હતું કે, કામદાર મુખ્ય રીતે નગરપાલિકાનું કામ કરતો હતો, એટલે નગરપાલિકાની મોટી જવાબદારી બને છે. જો કોન્ટ્રાક્ટર વળતર આપે તો નગરપાલિકા કેમ નહીં? કોન્ટ્રાક્ટરની બેદરકારીથી નગરપાલિકા છટકી શકે નહીં. કોર્ટે અરજદારને આણંદ નગરપાલિકા કયા નિયમો અંતર્ગત મૃતકના પરિજનોને વળતર ચુકવે તેને કોર્ટ સમક્ષ મૂકવા જણાવ્યું હતું.
સુનાવણી દરમિયાન ભાવનગર મહાનગર પાલિકા (BMC)નો તાજેતરનો બનાવ કોર્ટ સમક્ષ મુકાયો હતો. જેમાં બે ગટર સફાઈ કામદારો મેઇન હોલમાં ઉતર્યા હતા. જેમાંથી એકનું મોત થયું હતું અને એકને ગંભીર ઈજાઓ થઈ હતી. આ મુદ્દે કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોધાઇ હતી. પરંતુ હાઈકોર્ટના અગાઉના આદેશ મુજબ જવાબદાર અધિકારીઓ સામે કોઈ ફરિયાદ નોધાઇ નથી. ભાવનગરની ઘટના મુદ્દે કોર્ટે ભાવનગર મહાનગર પાલિકાને પક્ષકાર બનાવવા હુકમ કર્યો હતો. તો સાથે જ અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને મૃતકોના પરિવારને ચૂકવાયેલા, નહીં ચૂકવાયેલ વળતરનું લિસ્ટ અને કારણો સાથે એફિડેવિટ માંગી હતી. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, ભાવનગરની ઘટના મુદ્દે હાઇકોર્ટમાં અલગથી અરજી દાખલ કરવામાં આવી છે.
આ દુર્ઘટના સંદર્ભે સુપ્રિમ કોર્ટના જજમેન્ટ મુજબ મૃતકના પરિવારજનોને 30 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવ્યું છે. જ્યારે ઘાયલ થયેલા વ્યક્તિને દસ દિવસની સારવાર બાદ મેડિકલી ફિટ જાહેર કરવામાં આવ્યો છે. જેથી તેને વળતર ચૂકવવાનું થતું નથી. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે ભાવનગરની ઘટના અંગે કોઈ તપાસ કરવામાં આવી છે કે કેમ? જોકે, તેનો સંતોષકારક જવાબ ન મળતા કોર્ટે અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરીને ભાવનગરની ઘટના અંગે ત્રણ અઠવાડિયામાં તપાસ પૂર્ણ કરીને કોર્ટના આદેશ મુજબ જવાબદારી નક્કી કરવા અને જવાબદાર અધિકારી સામે કયા પગલાં લેવાશે, તેની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો હતો. જેના જવાબમાં કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સેપ્ટિક ટેન્કની સફાઈ માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ દુર્ઘટનામાં કોઈપણ સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી ન હતી. નોડલ ઓફિસર દ્વારા સુપરવાઇઝર રાખવામાં આવ્યો નહતો. જેથી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાવનગરના સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં આ ઘટના બની હતી. જો આ સંસ્થા BMCને ફી ચૂકવીને ટેન્કની સફાઈ કરાવે છે. તપાસમાં સામે આવ્યું હતું કે, સેપ્ટિક ટેન્કમાં ઝેરી ગેસ નીકળવાની પાઇપ જ નહોતી. આથી સૂચન કરાયું છે કે, હવે સેપ્ટિક ટેન્કનું ક્વોલિટી કન્સ્ટ્રક્શન થાય તે પણ સરકાર જોશે. કામદારોની કોઈપણ સેફ્ટીના સાધનો પણ આપવામાં આવ્યા ન હતા.
વધુમાં સરકારે જણાવ્યું હતું કે, જે કામદાર બચી ગયો છે, તેની સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કારણ કે નોટિસ આપવા છતાં આ કામદારો હાથથી કાર્ય કરે છે. ઉપરાંત સંસ્થા સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતકને પરિજનોને વળતર અપાયું છે, તે સંસ્થા પાસેથી વસૂલ કરાશે. હવેથી સુએજ ટેન્કનું મોનિટરિંગ પણ કરવામાં આવશે. કોર્ટે સરકારને કહ્યું હતું કે, કામદાર સામે શા માટે FIR કરવામાં આવી છે? કામદાર તો પોતાના પરિવારનું પેટ ભરવા નાછૂટકે આવા કામ કરતા હોય છે. કોર્ટે સરકાર પાસે એક્શન ટેકન રિપોર્ટ માંગીને 19 એપ્રિલે વધુ કાર્યવાહી રાખી છે.