લોકસભાની ચૂંટણી પહેલાં કર્ણાટકના બેલ્લારીમાં પોલીસે 5.60 કરોડ રૂપિયાની રોકડ રકમ, 3 કિલો સોનું, 103 કિલો ચાંદીની જ્વેલરી તેમજ 68 ચાંદીની લગડીઓ જપ્ત કરી છે. પોલીસે બેલ્લારીના બ્રુસ ટાઉનમાં દરોડો પાડ્યો હતો.
આ રકમ કાંબલી બજારમાં હેમા જ્વેલર્સના માલિક નરેશના ઘરેથી મળી આવી છે અને આરોપી નરેશને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બેલ્લારીના બ્રુસપેટ પોલીસ મથકે આ કામગીરી હાથ ધરી હતી.
બેલ્લારીના એસપી રણજીત કુમાર બંડારુના જણાવ્યા અનુસાર આ પૈસા નરેશ સોનીના છે. કુલ 5 કરોડ 60 લાખની રોકડ, 68 ચાંદીની લગડી, 103 કિલો ચાંદીના દાગીના અને 3 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે કહ્યું કે અમને આનાથી સંબંધિત કોઈ માન્ય દસ્તાવેજ મળ્યા નથી. પોલીસને હવાલા વ્યવહારની શંકા છે અને તપાસ ચાલુ છે. પોલીસે આ મામલે KP એક્ટની કલમ 98 હેઠળ કેસ નોંધ્યો છે. તેમણે કહ્યું કે, તપાસ બાદ આઈટી વિભાગને માહિતી આપવામાં આવશે.
બેલ્લારીમા એક સોનાના વેપારીના ઘરે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેણે પોતાના ઘરમાં પૈસા, દસ્તાવેજો વગર સોના-ચાંદીના દાગીના રાખ્યા હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. એસપી રણજીત કુમાર બંડારુ, ડીવાયએસપી ચંદ્રકાંત નાંદરેડ્ડી, બ્રુસપેટ સીપીઆઈ એમ.એન. અને એફ.એસ.ટી.ની ટીમના માર્ગદર્શન હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા હતા અને લોકસભા ચૂંટણી પહેલા પૈસા તેમજ દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.