રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને પડતાં મૂકવાની માગણી સાથે ક્ષત્રિય સમાજનો રોષ હવે રાજ્યવ્યાપી બની ગયો છે અને હજુ પણ આ મુદ્દે કોઇ નિર્ણયાક દરમિયાનગીરી નહીં થાય તો ક્રમશ: આ રોષ દેશના અન્ય રાજ્યોમાં પ્રસરી જાય એવી આશંકા સેવાઇ રહી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા જ કોઇ સમાધાનકારી માર્ગ લેવાય એવી પ્રબળ શક્યતા છે.
મંગળવારે ચૈત્ર મહિનાની નવરાત્રીનો આરંભ થઇ રહ્યો છે અને મા ભવાની, જગદંબામાં આસ્થા ધરાવતા વડાપ્રધાન મોદી ચૈત્ર મહિનાની નવરાત્રીમાં પણ નક્કોરડા ઉપવાસ કરતા હોય છે. ક્ષત્રિયો પણ મા ભવાનીના પૂજકો રહ્યા છે ત્યારે આ મામલે કેવો ઉકેલ આવે છે એ જોવાનુ રહેશે.
એક પખવાડિયા પૂર્વે રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ બિન રાજકીય કાર્યક્રમમાં કરેલી ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી હવે ભાજપની ચૂંટણી તૈયારીઓ પર અસર કરી રહી છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોતાના યુવાઓ, મહિલાઓને શાંતિપૂર્ણ રીતે જ આંદોલન, દેખાવો અને બાકીના કાર્યક્રમો કરવા માટે વારંવાર વિનંતી કરી છે, પરંતુ ઘણે ઠેકાણે હવે પરિસ્થિતિ આ નેતાઓના હાથ બહાર જતી રહી હોય એવા કિસ્સાઓ ચૂંટણીના માહોલને કોઇપણ ગંભીર વળાંક લાવી દે એવા બની રહ્યા છે. ખાસ કરીને શનિવારે જામખંભાળિયામાં બનેલી ઘટના એ હાલ પ્રવર્તતા માહોલમાં ભલે સામાન્ય જણાય, પરંતુ ભવિષ્યમાં જ્યારે રાજ્યમાં રાષ્ટ્રીય નેતાઓ, એમાંય વડાપ્રધાન કે ગૃહમંત્રી અથવા અન્ય મહાનુભાવોના પ્રવાસ વખતે આવી ઘટના બને તો પ્રચારનો મુદ્દો બાજુમાં જતો રહે અને દેખાવોની ઘટનાઓ પ્રચાર માધ્યમોમાં કેન્દ્ર સ્થાને બની રહે એ ચિંતા ભાજપ નેતાગીરીને પજવી રહી છે. ત્રણ દિવસમાં નાના નાના ગામો, નગરોમાં એકાએક રોડ, હાઇવે પર ટ્રાફિક રોકીને વિરોધ કરવાની છૂટીછવાઇ પાંચથી વધુ ઘટના બની છે.
આ સ્થિતિના આકલન માટે રવિવારે બપોરે બે વાગ્યાથી ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને એક બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, આઇ.કે. જાડેજા, જયરાજસિંહ પરમાર, બળવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા, જયદ્રથસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગત ગુરુવારે ક્ષત્રિય સમાજ અને આ આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠક બાદ જે ઘટનાક્રમ આકાર લઇ રહ્યો છે તેનું વિશ્લેષણ કરાયું હતું. ક્ષત્રિય સમાજે શનિવારે રાજકોટમાં એક બેઠક યોજી રાજ્યના દરેક જિલ્લા, તાલુકા, ગામેગામ સંમેલન યોજી તંત્રને આવેદનપત્ર આપવા જેવા કાર્યક્રમોને પૂર્ણ કરવા અને જો રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ભાવિ રણનીતિ મુજબ જે જાહેરાત કરાય તે કાર્યક્રમો યોજવા આગેવાનોએ જાહેરાત કરી છે. તેના ભાગરૂપે રવિવારે ધંધૂકામાં મહાસંમેલન યોજાયુ છે અને આ સંમેલનમાં નક્કી થનારા કાર્યક્રમો આગામી સપ્તાહમાં રાજ્યભરમાં યોજાનાર છે. તેની પણ ચર્ચા બેઠકમાં કરાઇ હતી. જોકે, કોઇ આગેવાન દિલ્હી બોલાવાયા નથી એમ જાણવા મળ્યું છે.
અહીં નોંધવું જરૂરી છે કે, ગુરુવારે વાટાઘાટોમાં ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર મક્કમ રહેતાં કોઇ પરિણામ આવ્યું ન હતું. આ વાત પ્રદેશ નેતાગીરી સાથે પણ એ જ દિવસે ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ નેતાગીરી દ્વારા સમગ્ર અહેવાલ રાષ્ટ્રીય નેતૃત્વને પહોંચાડી દેવાયો છે. જોકે, હાલ ગુજરાતના બન્ને નેતાઓ ચૂંટણી પ્રચાર પ્રવાસમાં વ્યસ્ત છે.
જામ ખંભાળિયા ખાતે શનિવારે દ્વારકેશ કમલમ્ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના પ્રદેશ આગેવાનો આવ્યા હતા. પાટીલે કાર્યાલયની રિબિન કાપ્યા પછી કાર્યાલયની અંદર કેવી સુવિધા છે તે નિહાળવા પહોંચ્યા બીજી તરફ આ કાર્યાલયની નજીકમાં જ રહેલા ક્ષત્રિય સમાજ ભવન ખાતે એકત્રિત થયેલા લોકોએ ભાજપના સામિયાણામાં ઘૂસી જઇ કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર સાથે ખુરશીઓની તોડફોડ કરી હતી. પોલીસ અને આઇબીની આ ચૂકને ગંભીરતાથી લેવાઇ છે અને આને લીધે આજે ધંધૂકા સમારોહમાં જતી ગાડીઓને પોલીસે બેરિકેટિંગ કરી ચેક કરી હતી. હવે રાજ્યભરમાં કોઇપણ રાજકીય કાર્યક્રમ હોય તેના અંગે પૂરતો પોલીસ બંદોબસ્ત અને આઇબી તંત્રને એલર્ટ રહેવા ગાંધીનગરથી સૂચના છે. દેશભરમાં આઇબીને ક્ષત્રિય આગેવાનોની ગતિવિધિ પર નજર રાખવા સૂચના છે.