ગાંધીનગર સેકટર – 11 માં આવેલ હવેલી આર્કેડ નામના કોમર્શિયલ કોમ્પલેક્ષની લિફ્ટ એકાએક તૂટીને સડસડાટ બેઝમેન્ટમાં આવીને પટકાઈ હતી. આ ઘટનામાં લિફ્ટમાં સવાર આઠ લોકોનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો. જો કે એક તબક્કે લિફ્ટમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ મામલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે પણ તાત્કાલિક પહોંચી જઈ તપાસ કરતા પ્રાથમિક રીતે લિફ્ટ મેન્ટેનન્સની ગંભીર ચૂક હોવાનું સામે આવ્યું હતું.
ગાંધીનગર સેકટર – 11 સ્થિત હવેલી આર્કેડ નામના કોમર્શિયલ કોમ્પલેક્ષમાં લિફ્ટ તૂટી પડવાની દુર્ઘટના સર્જાતા લિફ્ટમાં સવાર આઠ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સમગ્ર ઘટનાની વાત કરીએ તો બિલ્ડીંગનાં સાતમા માળે એન્જિનિયરિંગ એન્ડ ડિઝાઇનિંગ સર્વિસની ઓફિસમાં કામ કરતાં સંતોષભાઈ, બ્રીજેશભાઈ, રમેશભાઈ, મનીષભાઈ, કાર્તિકભાઈ, વલ્લભભાઈ સહિતના આઠ લોકો બપોરના સમયે લિફ્ટ થકી નીચે આવી રહ્યા હતા.
આ દરમિયાન અધવચ્ચે જ લિફ્ટ ખોટકાઈને સળસળાટ બેઝમેન્ટમાં આવીને તૂટી પડી હતી. અચાનક લિફ્ટ સળસળાટ નીચે તૂટી પડતાં લિફ્ટમાં સવાર તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બાદમાં ભારે જહેમત પછી તમામ લિફ્ટની બહાર નીકળી શક્યા હતા. આ બનાવના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુર ની ટીમ તાત્કાલિક તપાસ અર્થે હવેલી આર્કેડ કોમ્પલેક્ષ પહોંચી ગઈ હતી. અને લિફ્ટનાં લાયસન્સ સહિતની યાંત્રિક સાધનોની વિગતવાર તપાસ કરી હતી.
આ અંગે ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરે કહ્યું કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. લિફ્ટની પ્રાથમિક તપાસમાં મેન્ટેનન્સ રેગ્યુલર નહીં થતું હોવાનું જણાઈ આવે છે. જો કે આવતીકાલે લીફ્ટના એન્જિનિયર આવીને તપાસ કરે પછી ચોક્ક્સ કારણ જાણવા મળશે. લિફ્ટનું લાયસન્સ 2026 સુધીનું છે. અને 7 ફલોર આવેલા છે. લિફ્ટમાં ફસાયેલા લોકો જાતે જ બહાર નીકળી ગયા હતા.