રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ છે. ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ અને કાર્યક્રમોને લઈ રાજપૂત સમાજની સંકલન સમિતિ બનાવવામાં આવી છે. રાજપૂત સંકલન સમિતિના સભ્યો દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં સંકલન સમિતિના આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 14 એપ્રિલના રોજ સાંજે 5થી 7 વાગ્યા સુધી ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાશે. જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો હાજર રહેશે. જામ સાહેબને પણ મળી આમંત્રણ આપીશું. રૂપાલાને તેમના સંસ્કાર બતાવવા પડશે.
વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ-મોરબી રોડ પર આવેલા રતનપર ગામ નજીક રામમંદિર સામે આવેલી જગ્યામાં મહાસંમેલન યોજાશે. રૂપાલાની ઉમેદવારી રદ થાય એવી માગ છે, સમાજમાં શુદ્ધિકરણ જરૂરી છે. દેશના વિકાસ માટે આ જરૂરી છે. આજે પાટણ, મુંદ્રા અને ધાંગધ્રામાં મોટું સંમેલન છે. આ પહેલાં ધંધૂકામાં સંમેલન થયું, જિલ્લે જિલ્લે સંમેલનો થયાં. પણ આ મુદ્દાને જાહેર જીવનમાં નૈતિકતાનું ધોવાણ થયું છે તેને અટકાવવાનો પ્રયાસ થાય તેવો દાખલો બેસાડવા માગીએ છીએ.
જામનગર સ્ટેટના જામ સાહેબના પત્રને લઈને રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, જામ સાહેબના નિવેદનને લઈ અમે સંકલન સમિતિમાં ચર્ચા કરીશું. અમે જામ સાહેબને મળવાનો પ્રયત્ન કરીશું. કોઈપણ આંદોલન સામાજિક છે. આ કોઈ રાજકીય નથી, સંકલન સમિતિનો હેતુ સ્પષ્ટ છે. જામ સાહેબ અમારા માટે પૂજનીય છે, તેમને અમે મળીશું. જામ સાહેબને યોગ્ય સમયે મળીશું એવું કહ્યું હતું. રૂપાલાને તેમના સંસ્કાર બતાવવા પડેશે. ગુજરાતનો રાજપૂત સમાજ નક્કી કરશે. ટિકિટ રદ થવાની માગ સમાજની છે, રાજકીય અને વ્યક્તિગત હેતુ માટે કોઈ નથી. આખા સમાજની લાગણી ઘવાઈ છે.
રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને બેનરો લગાવવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના વટવા ગામમાં પણ બેનરો લગાવવામાં આવ્યાં છે. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકર કે નેતાએ વટવા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવાં બેનર લગાવવામાં આવ્યાં છે. રાજ્યના વિવિધ ગામડાઓમાં પણ ભાજપના કોઈ કાર્યકર-નેતાને ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રવેશ ન આપવાના બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.